દીર્ઘ ચર્ચા, સંશોધનોના અંતે હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ-સમાન નાગરિક સંહિતાનો અમલ થશે તેવા સંકેત સ્પષ્ટ છે. રાજ્યની કેબિનેટે તેનાં બિલને મંજૂરી આપી દેતાં હવે તેનો માર્ગ મોકળો થયો છે. યુસીસી ફક્ત કાનૂની સુધારો નથી, પરંતુ સામાજિક મૂલ્યો, પરંપરાઓ અને દેશના સંવિધાન વચ્ચે સાયુજ્ય રચવાનો, સંતુલન સ્થાપિત કરવાનો એક આયામ છે. દેશના તમામ નાગરિકો માટે કાયદાનાં ધોરણો સમાન બનાવવાની આ દિશા છે. સામાજિક સમાનતા અને કાનૂની એકરુપતા માટે ગુજરાત સરકારે આ પગલું ભર્યું છે. ઉત્તરાખંડનાં માળખાંને ધ્યાને રાખીને આ સંહિતા ગુજરાતમાં અમલી બનાવવાનો સરકારનો મનોરથ છે. સમાન નાગરિક સંહિતાનો અમલ કરવા કૃતનિશ્ચયી બનેલું દેશનું બીજું રાજ્ય ગુજરાત છે. યુસીસી બિલ અનેક પાસાંને એકસાથે જોઈ રહ્યું છે, તેનો અમલ થશે તો રુઢિગત સમાજ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન ચોક્કસ જોઈ શકાશે.
ગુજરાત
સરકારનું આમ જુઓ તો આ દૂરંદેશીભર્યું અને સાથે જ હિંમતભર્યું પગલું છે. લગ્ન, છૂટાછેડા,
વારસો, દત્તક બાળ જેવા મુદ્દાઓ બાબતે આપણા દેશમાં હજુય જુદા-જુદા ધર્મની માન્યતા કે
આદેશ અનુસાર કાયદા અમલમાં છે. સમાન નાગરિક ધારાનો અમલ થતો હોય તેવું એકમાત્ર રાજ્ય
ગોવા છે. બુધવારે જે બિલને ગુજરાત વિધાનસભાની કેબિનેટે મંજૂરી આપી છે તેમાં એક અગત્યનો
મુદ્દો એ છે કે, કોઈ યુગલ લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માગતું હોય તો તેમણે રજિસ્ટ્રાર
પાસે નોંધણી કરાવવી પડશે, એક માસથી વધારે સમય જો આ પ્રકારનો સહવાસ હશે તો તે સજાપાત્ર બનશે. જો કે, દરેક કાયદાની છટકબારી કેટલાક
લોકો શોધી લેતા હોય છે તેમ અહીં પણ તેવું થવાની શક્યતા છે.
લિવ
ઈન સંબંધથી થયેલું સંતાન કાયદેસર ગણાશે, તેને તમામ વારસાઈ હક્ક મળવાપાત્ર રહેશે, આ
પણ અગત્યની વાત છે. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે, પ્રથમ પતિ કે પત્નીથી થયેલું
સંતાન મિલકતમાં હિસ્સો મેળવવા માટે અધિકૃત ગણાય, અન્ય સંબંધથી સંતાન થાય તો મિલકત-વારસાહક્કના
ઝઘડા થતા. છૂટાછેડા માટે પણ આપણે ત્યાં અલગ-અલગ ધર્મ આધારિત કાયદા છે. યુસીસી અમલી
બને તો વારસો, છૂટાછેડામાં પણ ત્રીઓને સમાન અધિકાર મળવાપાત્ર થશે. સૌને પોતાનો ધર્મ
પાળવાનો અધિકાર, પરંતુ કાયદો સૌ માટે સમાન આ સૂર યુસીસીના અમલમાંથી નીકળી રહ્યો છે.
આપણે ત્યાં લગ્ન માટે હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તથા ઈન્ડિયન ક્રિશ્ચિયન
મેરેજ એક્ટ અસ્તિત્વમાં છે. યુસીસીની વાત આવશે ત્યારે તેની ચર્ચા થશે જ. કોમન સિવિલ
કોડ પ્રત્યક્ષ રીતે કોઈ ધર્મભેદ કે ધાર્મિક પરંપરાના પાલનમાં ફેરફારનો નિર્દેશ નથી
જ કરતો, પરંતુ લગ્ન કે છૂટાછેડા જેવી બાબતો પણ આપણે ત્યાં ધર્મ સાથે સંકળાયેલી છે તેથી
તેની ચર્ચા થયા વગર નહીં રહે.
મહિલાઓને
આ બિલથી સુરક્ષા અને સામાજિક દરજ્જો સુનિશ્ચિત થશે. લગ્ન અને છૂટાછેડા સંદર્ભે જો કે,
મહિલાઓ પણ પોતાના ધર્મની પરંપરાને છોડી શકે કે નહીં તે સવાલ મોટો છે. મિલકતના વારસાની
જોગવાઈમાં યુસીસીના અમલ પછી ઐતિહાસિક કહી શકાય તેવું પરિવર્તન આવશે. વિવિધ ધર્મમાં
વારસાના નિયમ જુદા છે, હવે ધર્મ કે જાતિના ભેદભાવ વગર પુત્ર અને પુત્રી બન્નેને મિલકતમાં
સમાન અધિકાર મળશે. વસિયતનામું બનાવવાની પ્રક્રિયાને વધારે સરળ બનાવાઈ છે. આ ક્રાંતિકારી
પગલું ગણાશે. મહિલાઓને આર્થિક સુરક્ષા-સમાનતાનું રક્ષણ મળશે.
એક
દેશ એક કાનૂનનો મુદ્દો વર્ષોથી ચર્ચામાં છે અને મોટો સમુદાય તેની તરફેણમાં છે. દેશના
સંશાધનો ઉપર સમાન અધિકાર હોય, અભ્યાસ-નોકરી ઈત્યાદિમાં જો સમાનતા હોય તો કાનૂન અલગ
કેવી રીતે હોઈ શકે ? એક જ રાષ્ટ્રના નાગરિક માટે કાયદાનો દાયરો અલગ હોઈ શકે નહીં તેવી
માન્યતા દૃઢ બની રહી છે. સામે આપણનું સમવાય- સર્વસમાવેશક સંવિધાન, દરેકને જીવવાની સ્વતંત્રતા
અને અધિકાર તેવા પણ મુદ્દા છે. છૂટાછેડાની જ બાબતમાં હિન્દુઓને લગ્ન થયા પછી એક વર્ષ
ન વિતે ત્યાં સુધી છૂટાછેડાની અરજી કરવાનો કાનૂની અધિકાર નથી. યુસીસીના અમલ પછી આવું
શક્ય બને છે કે નહીં તે જોવાનું છે. એક તરફ આ સમાનતાની વાત છે તો સામે અન્ય વર્ગ વર્ષોથી
યુસીસીને સાંસ્કૃતિક હસ્તક્ષેપ તરીકે જોવે છે. વિશેષત: આ જૂની વ્યવવસ્થા છે અને હવે
તેમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે, જેને લીધે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો વિરોધને હવા
દે છે.
અહીં
એ નોંધનીય છે કે, યુસીસી માટેની તૈયારી ત્રણ-ચાર વર્ષ પહેલાંથી ચાલતી હતી. લગભગ અઢી
વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા
માટે સમિતિની રચનાને પડકારતી અરજી ફગાવી દીધી હતી. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ડી. વાય.
ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ નરસિમ્હા રાવે એ સમયે કહ્યું હતું કે, સમિતિ રચવાનો રાજ્યોને
અધિકાર છે, એમાં ખોટું કંઇ નથી. ત્રણ દિવસ પહેલાં ગુજરાત સરકારને જસ્ટિસ રંજના પ્રકાશ
દેસાઇ સમિતિએ યુસીસીનો મુસદ્દા અહેવાલ સોંપ્યો અને ભૂપેન્દ્ર પટેલ સરકારે તાત્કાલિક
વિધાનસભા ગૃહમાં એ પેશ કરીને સંકેત આપી દીધો છે કે, બજેટસત્ર?પૂરું થાય એ પહેલાં ગુજરાત
આ ખરડો પસાર કરી દેશે.
ગુજરાતનું
આ ક્રાંતિકારી કદમ વાસ્તવમાં મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના અભિગમ અનુસાર જ
છે. અહીં એ નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગયાં વર્ષે માર્ચમાં એવું નિરીક્ષણ આપ્યું
હતું કે, દેશમાં યુસીસી લાગુ કરવાનો સમય આવી પહોંચ્યો છે. વિદ્વાનોનો એક મત સ્પષ્ટ
છે કે, દેશમાં બે પ્રકારના કાયદા ન ચાલી શકે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત તેનો
વિરોધ?કરી ચૂક્યા છે. ઉત્તરાખંડ વિધાનસભા બે વર્ષ પહેલાં સમાન નાગરિક સંહિતા કાયદો
પસાર કરી ચૂકી છે. હવે ગુજરાત આવતાં અઠવાડિયે આવું કદમ ભરશે એવા સ્પષ્ટ સંકેત છે.
એક
બાબત ખાસ ધ્યાને રહેવી જોઈએ કે, કાનૂનની રચના અને તેનું પાલન સંવેદનાના આધારે નહીં,
દેશની સુરક્ષા, સામાજિક બંધારણ અને સમાનતાના આધારે થવું જોઈએ. 78.8 ટકા વસ્તી દેશમાં
હિન્દુઓની છે. 14.2 ટકા મુસલમાન અને અન્ય સમુદાય છે. છતાં આપણા સંવિધાને અત્યાર સુધી
તમામ ધર્મ, સંપ્રદાયને આદર આપ્યો છે. યુસીસીથી આ આદર છીનવાઈ જશે તેવું માનવાનું પણ
કારણ નથી, કારણ કે, કોઈ ધર્મ-સમુદાય, સંપ્રદાયને તેના મૂળથી, પરંપરાથી અલગ કરવાની વાત
નથી. ભારતમાં તમામ ધર્મો-સંપ્રદાયો પ્રત્યે આદર છે. કાયદાનું પાલન તો સૌ માટે સરખું
હોવું જોઈએ તેટલી જ વાત અહીં છે. સર્વસંમતિ કે સમજણથી જો તેનો અમલ થાય તો તે દેશ માટે
હિતાવહ છે.