હોર્મુઝ અને રાતા સમુદ્રમાંથી પસાર થતાં ઈન્ટરનેટ કેબલને કોઈપણ પ્રકારે નુકસાન પહોંચાડવામાં આવે તો દુનિયામાં મચી શકે છે ઈન્ટનેટનો હાહાકાર
નવીદિલ્હી,તા.20:
મધ્યપૂર્વનાં યુદ્ધમાં ઈંધણ ઉપરાંત નવી ચિંતા ઈન્ટરનેટની પણ છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને
બંધ કરીને દુનિયામાં ઓઈલ અને ગેસનું સંકટ સર્જી દીધું છે અને હવે આ માર્ગમાં જ સમુદ્રમાં
પથરાયેલા ઈન્ટરનેટ કેબલ ઉપર પણ ખતરો ભમી રહ્યો છે. જો આને કોઈપણ કારણોસર નુકસાન થાય
અથવા તો પહોંચાડવામાં આવે તો દુનિયાભરમાં ઈન્ટરનેટ પણ ઠપ થવાની દહેશત છે. ભારત સહિતનાં
દુનિયાનાં અનેક દેશોમાં બેન્કિંગ અને ડિજીટલ સેવાઓ પણ આનાથી પ્રભાવિત થઈ શકે છે.
ઈન્ટરનેટ
સેવા માટે દુનિયાની બે મહત્વની જગ્યાઓ ખતરામાં છે. જેમાં હોર્મુઝ અને લાલ સાગરનો બાબ-અલ-મંદેબ
માર્ગ સામેલ છે. ત્યાં સમુદ્રનાં પેટાળમાંથી ઈન્ટરનેટનાં ફાઈબર કેબલોની જાળ બિછાવવામાં
આવેલી છે. એવો દાવો કરવામાં આવે છે કે, ઈરાને હોર્મુઝમાં સમુદ્રી સુરંગો પાથરી દીધી
છે અને તેનાં હિસાબે શિપિંગ કંપનીઓ જહાજો ઉપર તેનાંથી હુમલાની દહેશતમાં છે. લાલ સાગરમાં ઈરાન સમર્થિત
હુથી સમૂહ જહાજો ઉપર હુમલા કરી રહ્યો છે. આ બન્ને સમુદ્રનાં તળમાં ફાઈબર ઓપ્ટિકલ કેબલ
છે. આ કેબલ હજારો કિ.મી. સુધી પથરાયેલા છે. વૈશ્વિક ઈન્ટરનેટનો મોટાભાગનો ડેટા તેનાં
માધ્યમથી પ્રસરે છે. રાતા સમુદ્ર અને હોર્મુઝમાં
આવા કમસેકમ 20 મહત્વનાં કેબલ પસાર થાય છે. જેમાંથી 17 કેબલરાતા સમુદ્રમાંથી પસાર થાય
છે. જે યુરોપ, એશિયા અને આફ્રિકા વચ્ચે ઈન્ટરનેટનાં જોડાણનો આધાર છે. જો આમાં કોઈપણ
પ્રકારે નુકસાન કરવામાં આવે તો દુનિયાભરમાં ઈન્ટરનેટ જોખમાઈ શકે છે.