• શનિવાર, 21 માર્ચ, 2026

ફરી માવઠાનો માર : ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, ખેતીપાકને વ્યાપક નુકસાન

ભાવનગર જિલ્લાના 323 ગામ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાયો

સુરતમાં મનપાનું બોર્ડ પડતા યુવકનું મૃત્યુ : ઘઉં, ધાણા, ચણા, ડુંગળી, કપાસ, જીરુંથી લઇને ચીકુ, કેરીના બગીચા સુધી ભારે નુકસાન

રાજકોટ તા.20: આ વર્ષે માવઠારુપી આફતથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. એકંદરે ચોમાસું સારુ ગયું હતું, પરંતુ પાછોતરા વરસાદે ખેતરમાં ઉભા તૈયાર પાક પર પાણી ફેરવી દીધું હતું. જેના કારણે વ્યાપક નુકશાન થતા સરકારે પણ સહાય જાહેર કરવી પડી હતી. હજુ તો એ મારથી ખેડૂતો બેઠા થયા હતા અને શિયાળુ પાક સારો જવાની આશા બંધાઇ હતી. ત્યાં ફરી ભર ઉનાળે કરા સાથે વરસેલા વરસાદે એ આશા પર પણ પાણી ફેરવી દીધું છે. અત્યારે મોટાભાગે શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, ધાણા, જીરું, કપાસ, ડુંગળીની લણણીની સીઝન ચાલુ હોય છે. મોટભાગનો પાક અત્યારે ખેતરમાં તૈયાર હોય છે એવા સમયે જ તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસતા જગતાતને વ્યાપક નુકશાન થયું છે. તેમજ બાગાયતી પાક જેવા કે ચીકુ અને કેરીને પણ નુકશાન થયું છે. ત્યારે ફરી ખેડૂતો સરકાર તાત્કાલીક સર્વે કરી સહાય ચૂકવે તેવી માગ કરી રહ્યા છે. ગતરોજ રાજકોટ, જામનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં તોફાની પવન અને માવઠાએ (જુઓ પાનું 10)

તારાજી સર્જી હતી. મોટી સંખ્યામાં વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે અને ઘણી જગ્યાએ ઘરના પતરા અને સોલાર પેનલ ઉડી છે. વીજપોલ ધરાશાયી થવાથી અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.

ધ્રાંગધ્રા : ભાર્ગવી સોસાયટી વિસ્તારમાં ગાજવીજ સાથે આવેલા તેજ પવનના ઝાપટામાં એક મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ બનાવને પગલે રસ્તા પર અવરજવર માટે અડચણ ઉભી થઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા નગરપાલિકા તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું.

કોડીનાર : બપોરે 3.30 પછી વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. ફરી માવઠાના કારણે ખેતીપાકને નુકશાન થયું છે.

વીરપુર : વીરપુર પંથકના પીઠડીયા, મેવાસા સહિતના ગામોમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા વરસાદ અને પવનના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મોટા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરું અને ધાણા, મકાઈ જેવા પાકો જમીન પર ઢળી પડ્યા છે, જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

માળિયાહાટીના : આજે બપોરના બે વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કડાકા ભડાકા સાથે  વરસાદ પડ્યો છે. આ વરસાદથી મગ, અડદના વાવેતરમાં મોટા પાયે નુકસાન થયું છે.

અમરેલી : જિલ્લામાં સતત છેલ્લા બે દિવસથી પડતા માવઠા અને મીની વાવાઝોડાથી ખેડૂતો ઉપર આફત ઉતરી છે. ઘઉં, ચણા, બાજરી, ધાણા, ડુંગળી જેવા તૈયાર ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ બાગાયતી પાકોમાં ખાસ કરીને આંબાના બગીચાઓમાં કેરીઓ જમીન પર ખરી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. બગસરા, વડીયા, ધારી, ખાંભા, સાવરકુંડલા, લાઠી અને લીલીયા સહિતના વિસ્તારોમાં વરસાદ અને પવનના કારણે ખેતરોમાં ઉભા પાકો બરબાદ થયા છે. બગસરા પંથકના લુઘીયા ગામમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ સાથે મીની વાવાઝોડું ફૂંકાતા ઘઉં, ચણા, એરંડા, કલોજી અને રાયડાના પાકને ભારે નુકસાન થયું છે.  સરપંચ કિશોરભાઈ કાનપરીયાએ તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય આપવાની માંગ ઉઠાવી છે. સાવરકુંડલાના સેંજળ ગામમાં આંબાના વૃક્ષો પરથી કેરીઓ મોટી સંખ્યામાં નીચે પડી જતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. સેંજળ ગામમાં કેટલાક મકાનોના સિમેન્ટના પતરા ઉડી ગયા હતા, જ્યારે અનેક ઘરમાં બનાવાયેલાં શેડ ધરાશાયી થઈ ગયા હતા. પવનની તીવ્રતા એટલી વધારે હતી કે મકાનોના નળિયા સાથે દિવાલોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વંથલી : સૌરાષ્ટ્રમાં વંથલી તાલુકો ફ્રૂટ માટે હબ કહેવાય છે હાલ ચીકુની સીઝન ચાલી રહી છે ત્યારે  ગઈકાલે કમોસમી વરસાદ અને ભારે પવન ત્રાટકતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચીકુના પાકને ભારે અસર થતાં ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા છે.

ગીર ગઢડા: વરસાદના પગલે ખેડૂતોના ઘઉં, ચણા, મગ,તલ અને ડુંગળીના પાકમાં નુકસાનની ભીતિ છે, જ્યારે કેસર કેરીના પાકને વ્યાપક પ્રમાણમા નુકસાન થયું છે અને ભારે પવનના કારણે સંભવિત પાક નીચે પડી ગયો હતો.

ભાવનગર : શહેર સહિત સમગ્ર જિલ્લાના ગઈકાલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. શહેરમાં ફૂંકાયેલા પ્રચંડ પવનને કારણે કેટલીક દુકાનોના છાપરા અને મકાનો પર ફિટ કરેલી સોલાર પેનલો હવામાં ફંગોળાઈને નીચે પડી હતી, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં વીજ લાઈનો પર વૃક્ષો પડવાથી વીજ પુરવઠો પણ કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. પવન બાદ શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જેવા કે ઘઉં, એરંડા અને ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 323 ગામોમાં વીજળી ગુલ થતા અંધારપટ  છવાયો હતો.

પ્રાચી : સુત્રાપાડા પંથકમાં ખેડૂતો દ્વારા ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મગ, અડદ, ચોળી અને તલ જેવા ઉનાળુ પાકોનો સમાવેશ થાય છે. આ પાકો માટે આ સમયનો કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સતત ભેજ અને વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા સરકારને જરૂરી સહાય અને સર્વે માટે માંગ ઉઠવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેતપુર : : પંથકમાં વાવાઝોડા સાથે માવઠું થયું હતું. આ માવઠાના કારણે ખેડૂતોનો શિયાળુ પાક તૈયાર થઈ કાપણી પર ઉભો હતો. વાવાઝોડું થતા ઘઉંનો મોટા ભાગનો પાક ઢળી ગયો અને ચણા, ધાણા અને મરચાના પાકમાં નુકશાન થયું છે. ખેડૂતોનો તૈયાર મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા સરકાર તરફ હાથ ફેલાવીને મદદની ગુહાર નાખી રહ્યા છે. ચન્દ્રેશભાઈ વઘાસિયા નામના ખેડૂતે તેની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, વિવિધ શિયાળું પાકમાં વિધે આઠથી દસ હજાર ખર્ચો કરી વાવેતર કરેલું અને મોંઘા ખાતર, મજૂરી આપી જ્યારે પાક તૈયાર થઈને કાપણી પર જ હતો. ત્યારે જ વાવાઝોડું અને માવઠું બંને થતા મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. હવે આ પાક બગડી કે સડી ગયો તે પશુને ચારામાં પણ કામ આવે તેમ ન હોય ખાતર કરી નાંખશું અને હવે સરકાર આ બાબતે કઈ સહાય કરે તો વાવાઝોડા અને માવઠાની મારમાંથી થોડા ઘણા બહાર આવી શકીએ.

સુરત : દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ભારે પવન સાથે મીની વાવાઝોડું આવતા ઠેક ઠેકાણે શેડ પડી જવાની તેમજ વૃક્ષો નમી જવાની જવાની ઘટના બનવા પામી છે. કેળા, ચીકુ અને કેરીના પાકને ભારે પવનને કારણે નુકશાન થયું છે. ખેડૂતોને કેટલું નુકશાન થયું છે તેનો આંક હજુ બહાર આવ્યો નથી. એકાદ સપ્તાહ બાદ સર્વે થાય તો સાચો આંકડો બહાર આવે તેમ છે. મૂળ રાજકોટ વતની અને સુરતના કારગિલ ચોક ખાતે આવેલી ત્રિવેણી સંગમ સોસાયટીમાં રહી પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે નીતિન જયંતિભાઇ વાજા (ઉ.48) ગત રોજ મોડી સાંજે ટેબલ નાખીને ઘુઘરા વેચી રહ્યાં હતાં, તે વેળાએ અચાનક ફુંકાયેલા મીની વાવાઝોડામાં મહાનગરપાલિકાનુ ભારે ભરખમ લોખંડનુ બોર્ડ તેમના પર તૂટી પડ્યું હતું. જેને પગલે નિતિનભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતુ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક