• સોમવાર, 30 માર્ચ, 2026

વધુ એક ખાનગીકરણ અભેરાઈએ

આઈડીબીઆઈ બેન્કનું ખાનગીકરણ અભેરાઈ પર મૂકી દેવાયું છે. સરકારને મળેલી બિડ્ઝ તેની અપેક્ષા કરતાં ઘણી ઓછી હોવાથી આ પગલું લેવાયું છે. બેન્કના ફંડામેન્ટલ્સ સધ્ધર છે અને ભારતીય બેંકોમાં વિદેશીઓએ હમણાંથી ઘણો રસ બતાવ્યો છે. છતાં આ નિર્ણય લેવો પડ્યો તે સરકારની રણનીતિની ખામી સૂચવે છે. 2019માં એલઆઈસીએ આઈડીબીઆઈ બેન્કનું 51 ટકા શેરહોલ્ડિગ રૂ. 21,624 કરોડની કિંમતે ખરીદીને તેને ઉગારી ત્યાર પછી બેન્કના કામકાજમાં ઘણો સુધારો  થયો છે. ડિસેમ્બર 2025ના અંતે તેની નેટ એનપીએ 0.18 ટકા અને ગ્રોસ એનપીએ 3.52 ટકા જેટલી નીચી હતી, જયારે તેની ટિયર 1 મૂડીપર્યાપ્તિ 23.52 ટકા જેટલી ઊંચી હતી. ડિસેમ્બર ત્રિમાસિકમાં તેના ધિરાણમાં 15 ટકાનો અને ડિપોઝિટોમાં 9 ટકાનો વધારો નોંધાયો હતો. તેનો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, રિઝર્વ બેન્કના દરઘટાડા પછી પણ 3.52 ટકા હતો. તેનો શેર ખાનગી ક્ષેત્રની અન્ય મિડ-કેપ બેન્કો કરતાં ઊંચું મૂલ્યાંકન ધરાવે છે. છેલ્લા એક વર્ષમાં વોરબર્ગ પિંકસે આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં 10 ટકા અને જાપાનની સુમિટોમો મિત્સુઇ બેન્કે બેંકે યસ બેન્કમાં 20 ટકા હિસ્સો ખરીદ્યો છે જયારે એમિરેટ્સ એનબીડીએ આરબીએલમાં રોકાણ કર્યું છે. આમ પણ બેન્કિગ શેરોમાં રોકાણકારોનો રસ વધતો જાય છે.

આમ છતાં આઈડીબીઆઈ બેન્કનું ખાનગીકરણ પડતું મૂકવું પડ્યું તેનાં ત્રણ કારણ છે. પહેલું અને સૌથી મોટું કારણ છે મૂલ્યાંકન. સરકારને બજારભાવ આધારિત ભાવ જોઈએ છે જે રોકાણકારોને વધુપડતા લાગે છે. સરકારે સમજવું રહ્યું કે ખાનગીકરણ મહત્તમ ભાવ પડાવવાની કવાયત નથી, ન હોવી જોઈએ. કંપનીના ખરીદદારો જોખમનો ક્યાસ કાઢતા હોય છે: જૂની જવાબદારીઓ, જોડાણનો ખર્ચ અને કડાકૂટ તથા ભાવિ જવાબદારીઓ વિશેની અસ્પષ્ટતા. તેમણે કર્મચારીઓની જવાબદારીઓ, નીતિરીતિઓની જડતા, નિયામકની ચકાસણી અને પોતાની પ્રતિષ્ઠાના જોખમને ધ્યાનમાં રાખવું પડે છે. આઈડીબીઆઈ બેન્કના કિસ્સામાં પેન્શન અને ગ્રેચ્યુઈટીની જવાબદારીઓ અને ભાવિ જવાબદારીઓ માટેની અપૂરતી જોગવાઈ ભારે પડી ગઈ. બીજું, અંકુશ અને માલિકી સંબંધી સંદિગ્ધતા. સરકારે આશરે 61 ટકા હિસ્સો વેચા કાઢ્યો હતો. તે પછી પણ સરકાર પાસે 15 ટકા અને એલઆઈસી પાસે 19 ટકા હોલ્ડિગ બાકી રહેતું હતું, જે ખાનગી સંચાલકને અસ્વસ્થ કરી શકે. તેને સરકારી દાખલગીરીનો ડર રહે. ત્રીજું, આખી પ્રક્રિયા એટલી લાંબી ચાલી કે ઘણા સંભવિત ખરીદદારો અડધેથી જ મેદાન છોડી ગયા અને છેલ્લે માત્ર બે જ બચ્યા. આ પ્રક્રિયા 2002માં શરુ થઇ હતી. ત્યાર પછી દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. હજી પણ બાજી બગડી નથી. આઈડીબીઆઈ બેન્કના ખાનગીકરણની પ્રક્રિયા ફરીથી સચેત કરવી હોય તો તેનું મૂલ્યાંકન સરકારની આકાંક્ષાઓ ઉપર નહીં પણ ખરીદનારના જોખમ પર આધારિત હોવું જોઈશે. જૂની જવાબદારીઓ અને સમસ્યાઓની ખુલ્લી ચર્ચા કરીને ભાવનિર્ધારણમાં તેમનો સમાવેશ કરવો જોઈએ. સરકારે પોતે કેટલો હિસ્સો અને અંકુશ છોડવા માગે છે તેની ચોખવટ કરવી જોઈએ. સરકાર અને એલ આઈ સી પોતાનો બધો હિસ્સો વેચી નાખે તો ખરીદનારને વધુ વિશ્વાસ બેસશે. આ માળખાગત સમસ્યાઓ નહીં ઉકેલાય તો આવા વધુ અનુભવો માટે આપણે તૈયાર રહેવું પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક