અમેરિકાનાં રિપોર્ટમાં ખુલી પાકિસ્તાનની પોલ : હજીય પાક. આતંકી ગઢ
નવી દિલ્હી, તા.28: પાકિસ્તાન
સુધરવાનું નામ લેતું નથી. પાકિસ્તાન હજી પણ ભારત વિરુદ્ધ સક્રિય આતંકવાદી જૂથોનું ગઢ
છે. અમેરિકી કોંગ્રેસ રિસર્ચ સર્વિસ(સીઆરએસ)નાં તાજા અહેવાલમાં આ ખુલાસો કરવામાં આવ્યો
છે અને બેશરમ પાકિસ્તાનને નીચાજોણું થયું છે.
આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં
આવી છે કે, પાક.માં અનેક પ્રમુખ આતંકી જૂથો સક્રિય છે. આ સમૂહો જમ્મુ-કાશ્મીર અને ભારત
વિરોધી કૃત્યોમાં કેન્દ્રિત છે. આ આતંકવાદી જૂથો પાકિસ્તાનમાં બેરોકટોક પોતાની ગતિવિધિ
ચલાવતા હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે.
સીઆરએસનાં ‘ઈન ફોકસ’ રિપોર્ટમાં
1પ આતંકવાદી સંગઠનોનો ચિતાર આપવામાં આવેલો છે. આમાંથી ઘણાં જૂથોને અમેરિકા દ્વારા વિદેશી
આતંકી જૂથ ઘોષિત કરવામાં આવેલા છે. રિપોર્ટમાં ભારત અને કાશ્મીર કેન્દ્રિત આતંકી જૂથોનાં
એકધારા ખતરા તરફ ઈશારો કરવામાં આવ્યો છે.
આ જૂથોમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ,
હરકત-ઉલ જિહાદ ઈસ્લામી, હરકત-ઉલ-મુજાહિદ્દીન, હિઝબુલ મુજાહિદીન મુખ્ય છે. રિપોર્ટમાં
સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન આ તમામ આતંકીવાદી સંગઠનોને ખતમ કરવામાં નિષ્ફળ
રહ્યું છે. 2014નાં નેશનલ એકશન પ્લાનનો ઉદ્દેશ આવા તમામ આતંકી જૂથોને ખતમ કરવાનો હતો
પણ તે હજી ય પાકિસ્તાનમાં ખુલ્લેઆમ સક્રિય છે.
અમેરિકી વિદેશ વિભાગનાં કહેવા
અનુસાર પાકિસ્તાનમાં 2023માં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે કેટલા પગલા ભરવામાં આવ્યા
હતાં પણ મદરેસાઓ હજી ય હિંસક કટ્ટરવાદી વિચારોને રોપી રહ્યાં છે.