• બુધવાર, 27 મે, 2026

ખુલ્લા અને સલામત હોર્મુઝ માટે ક્વાડનો હલેસો

ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનાં વિદેશમંત્રીઓની બેઠકમાં ઊર્જા સુરક્ષા કેન્દ્ર સ્થાને : સમુદ્રી નિરીક્ષણ સહયોગ પહેલની શરૂઆત

નવી દિલ્હી, તા.26: ઈરાન-અમેરિકા યુદ્ધનાં કારણે બંધ થયેલા હોર્મુઝ જળમાર્ગ અને તેનાં હિસાબે દુનિયામાં સર્જાયેલી ઈંધણ કટોકટીની પૃષ્ઠભૂમિમાં રાજધાની દિલ્હી ખાતે યોજાયેલી ક્વાડ દેશાની બેઠકમાં ખાસ કરીને નૌવહન માટે સ્વતંત્ર અને ખુલ્લો હિંદ-પ્રશાંત વિસ્તાર સુનિશ્ચિત કરવા હિંદ-પ્રશાંત સમુદ્રી નિરીક્ષણ સહયોગ પહેલની શરૂઆત અને હિંદ-પ્રશાંત સમુદ્રી ક્ષેત્ર જાગૃતિ પહેલના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. ક્વાડ દેશોએ ફીજીમાં બંદર ક્ષમતા મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવાની પણ સહમતિ પણ વ્યક્ત કરી છે.

ભારતની યજમાની હેઠળ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બહુપ્રતીક્ષિત બેઠક મંગળવારે અહીં યોજાઈ હતી. બેઠક બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો, ઓસ્ટ્રેલિયાની વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગીએ સંયુક્ત નિવેદનમાં ક્વાડના મહત્વ અને તેના હેતુઓનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓને જોતા આવતા સમયમાં આ મંચની જવાબદારી અને મહત્ત્વ વધુ વધશે.

અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોએ કહ્યું હતું કે, બેઠકમાં ચર્ચા બાદ સમુદ્રી સુરક્ષા સંબંધિત બે અને ફીજીમાં બંદર ક્ષમતા વધારવા સંબંધિત મહત્ત્વપૂર્ણ પહેલો પર સહમતિ થઈ છે. તેમણે કહ્યું, બે મોટી જાહેરાતોમાં પહેલી હિંદ-પ્રશાંત સમુદ્રી નિરીક્ષણ સહયોગ પહેલનો પ્રારંભ છે, જે હિંદ-પ્રશાંત વિસ્તારમાં અમારા દરેક દેશોની સમુદ્રી નિરીક્ષણ ક્ષમતાનો ઉપયોગ કરીને માહિતી વહેંચણીની પ્રક્રિયાને મજબૂત બનાવશે. બીજી પહેલ હિંદ-પ્રશાંત સમુદ્રી ક્ષેત્ર જાગૃતિ પહેલના વિસ્તરણ સાથે જોડાયેલી છે,

 જે ક્ષેત્રના દેશોને વાસ્તવિક સમયમાં વ્યાપારી સમુદ્રી ક્ષેત્ર અંગેની માહિતી ઉપલબ્ધ કરાવશે.

તેમણે કહ્યું કે બીજી મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ સભ્ય દેશો બંદર અવસંરચના મુદ્દાઓ પર ભાગીદારી કરશે. ખાસ કરીને પ્રશાંત દ્વીપ દેશોમાં અપર્યાપ્ત બંદર ક્ષમતાની સમસ્યાના ઉકેલ માટે ફીજી સાથે મળીને ત્યાંની બંદર અવસંરચના મજબૂત કરવાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રથમ વખત હશે જ્યારે ક્વાડ ભાગીદારો કોઈ બંદર અવસંરચના પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરશે.

રૂબિયોએ જણાવ્યું કે ભારતે ક્વાડ એટ સી મિશનનાં આગામી તબક્કાની યજમાની કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે સભ્ય દેશોના કોસ્ટ ગાર્ડ દળોને એક જ સ્થળે અને એક જ જહાજ પર સાથે લાવે છે. તેમણે કહ્યું કે સમુદ્રી સુરક્ષાનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસુ એ છે કે જ્યારે સમુદ્રી સુરક્ષા ખોરવાય ત્યારે શું થઈ શકે. વિશ્વના 60 ટકા સમુદ્રી વેપાર હિંદ-પ્રશાંત વિસ્તારથી પસાર થાય છે, જે અનેક દેશો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતનો વિષય છે.

જ્યારે જયશંકરે જણાવ્યું હતું કે, ક્વાડના વિદેશ મંત્રીઓની ખૂબ જ સારગર્ભિત અને અર્થપૂર્ણ બેઠક થઈ અને તે મુખ્યત્વે વિશ્વની વર્તમાન પરિસ્થિતિ પર કેન્દ્રિત હતી. ક્વાડ તરીકે, અમારું ધ્યાન સ્વાભાવિક રીતે હિંદ-પ્રશાંત વિસ્તાર સાથે જોડાયેલા મુદ્દાઓ પર રહ્યું કારણ કે અમે ચાર સમુદ્રી લોકશાહી દેશો છીએ, જે હિંદ-પ્રશાંત વિસ્તારના અલગ અલગ છેડાઓ પર સ્થિત છે, તેથી વિચારોનું આ આદાન-પ્રદાન અત્યંત મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન સાબિત થયું.

તેમણે જણાવ્યું કે સભ્ય દેશોએ સુરક્ષિત અને અવરોધમુક્ત સમુદ્રી વેપાર અંગે ચર્ચા કરી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું કડક પાલન કરવાની મહત્ત્વતાને ફરીથી સ્વીકારી હતી. તેમણે કહ્યું, ચારેય દેશો બજાર આધારિત અર્થતંત્ર ધરાવે છે. દૃઢ વિશ્વાસ છે કે આર્થિક મજબૂતીને પ્રોત્સાહન આપવું જોઈએ, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવી જોઈએ, વિશ્વસનીય અને સુરક્ષિત ટેકનોલોજીનો વ્યાપ વધારવો જોઈએ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો જોઈએ. ચર્ચાઓમાં ઊર્જા અને ખાતરની ઉપલબ્ધતા સંબંધિત મુદ્દાઓ પણ સામેલ કરાયા હતાં.

જયશંકરે જણાવ્યું કે બેઠકમાં સ્વતંત્ર અને ખુલ્લા હિંદ-પ્રશાંત વિસ્તારના તમામ પાસાઓ અને પહેલોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી અને અન્ય ક્ષેત્રોમાં આગળની સંભાવનાઓ શોધવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેમણે કહ્યું, આવનારા સમયમાં, ભલે તે આર્થિક પ્રવૃત્તિ હોય, ઊર્જા વેપાર હોય કે સમુદ્રી વેપાર, હિંદ-પ્રશાંત વિશ્વ માટે વધુ મહત્ત્વપૂર્ણ બનશે. તે મુજબ ક્વાડની જવાબદારીઓ પણ વધશે અને આપણે તેના માટે તૈયાર રહેવું પડશે.

ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગે હિંદ-પ્રશાંત પ્રત્યેની સામૂહિક જવાબદારીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ પડકારોનો ઉકેલ લાવવો જરૂરી છે. ક્વાડની ફરજ અને જવાબદારી છે કે અમે વાસ્તવિક વિકલ્પો ઉપલબ્ધ કરાવીએ, ખાસ કરીને ત્યારે જ્યારે હિંદ-પ્રશાંતમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે અને આ વિસ્તાર ગંભીર આર્થિક દબાણનો સામનો કરી રહ્યો છે. જો ઈરાન હોર્મુઝ જળમાર્ગ બંધ કરે તો તેનો અમારા વિસ્તાર અને ઊર્જા સુરક્ષા પર શું પ્રભાવ પડશે? અમે નૌવહનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા દ્વારા કરવામાં આવતા કૂટનીતિક પ્રયાસોને સમર્થન આપીએ છીએ. અમે નૌવહનની સ્વતંત્રતાના સિદ્ધાંતને જાળવવાની મહત્ત્વતાને સ્વીકારીએ છીએ અને કોઈપણ પ્રકારના શુલ્ક લાદવાના પ્રસ્તાવનો વિરોધ કરીએ છીએ. ક્વાડ આજે અનેક નવી પહેલોને આગળ ધપી રહ્યો છે, જેમાં ઊર્જા સુરક્ષા પહેલ પણ સામેલ છે.

જાપાનના વિદેશ મંત્રીએ પણ વૈશ્વિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સ્વતંત્ર અને ખુલ્લો હિંદ-પ્રશાંત વિસ્તાર સુનિશ્ચિત કરવો સામૂહિક પ્રાથમિકતા છે અને આજની બેઠકમાં આ દિશામાં અર્થપૂર્ણ પ્રયાસો અને પહેલો થવી સકારાત્મક બાબત છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક