• બુધવાર, 27 મે, 2026

‘મહાશેતાન’ અમેરિકાને ખામેનીની મહાચેતવણી

બકરીઈદ પહેલા જ ફરીથી હુમલાથી ભડક્યા ઈરાનનાં સર્વોચ્ચ નેતા : ખાડીમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ધમકી : ઈઝરાયલને કહ્યું, હવે અસ્તિત્વ જ નહીં બચે

નવી દિલ્હી, તા.26: શાંતિની વાતો વચ્ચે અમેરિકાએ બકરીઈદ પહેલાં જ ફરી એક વખત ઈરાન પર હુમલો કરી નાખતા ભડકેલા ઈરાનના સર્વોચ્ચ નેતા મોઝતબા ખામેનીએ અમેરિકાને ફરીથી ખતરનાક ચેતવણી આપી દીધી હતી. ઈરાનનું સર્વોચ્ચ પદ સંભાળ્યા પછીથી તેઓ ક્યારેય વીડિયો કે કેમેરા સામે આવ્યા નથી. તેઓ માત્ર સરકારી ટેલિવિઝન મારફતે પોતાના નિવેદનો જાહેર કરી રહ્યા છે. આ વખતે તેમણે સીધા અમેરિકા અને તેના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ધમકી આપી છે. જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધુ ભડકવાની આશંકા ઉભી થઈ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોઝતબા ખામેનીએ પોતાની ટેલિગ્રામ ચેનલથી અમેરિકાને ધમકી આપતાં કહ્યું હતું કે, ખાડી ક્ષેત્રની શક્તિઓ હવે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ માટે ઢાલનું કામ નહીં કરે અને આ વિસ્તારમાં અમેરિકા માટે હવે કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન નહીં રહે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તેહરાન અને વાશિંગ્ટન છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક રૂપરેખા પર ચર્ચા કરી રહ્યા છે.

ઈરાનના 58 વર્ષીય નવા સુપ્રીમ લીડર ખામેની 8 માર્ચ પછી જાહેરમાં જોવા મળ્યા નથી અને તેમના નિવેદનો મોટાભાગે લખિત સ્વરૂપમાં જ બહાર આવ્યા છે. આ વખતે પણ તેમણે લખિત નિવેદન જારી કર્યું છે.

તેમનું આ નિવેદન અમેરિકી સેનાએ દક્ષિણ ઈરાનમાં મિસાઇલ ઠેકાણાઓ અને બારૂદી સુરંગો બિછાવવાનો પ્રયાસ કરતી નૌકાઓ પર હુમલો કર્યા પછી થોડા જ કલાકોમાં આવ્યું હતું. તેમણે અમેરિકાને મહાશેતાન અને ઈઝરાયલને અમેરિકાનું પ્રશિક્ષિત જાનવર કહીને દેશના સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી.

ખામેનીએ દાવો કર્યો હતો કે ઈઝરાયલ હવે પોતાના છેલ્લા તબક્કામાં પહોંચવા લાગ્યું છે અને આગામી 25 વર્ષોમાં તેનું અસ્તિત્વ પણ હશે નહીં. આ ક્ષેત્ર(ખાડી)ના દેશો હવે અમેરિકી સૈન્ય ઠેકાણાઓ માટે ઢાલનું કામ નહીં કરે અને અમેરિકાનો વૈશ્વિક પ્રભાવ દિવસેને દિવસે ઘટી રહ્યો છે. ઈરાન દ્વારા સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર જેવા પડોશી દેશોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે જો તેમણે પોતાના દેશમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ થવા દીધો તો ઈરાન તે દેશોને માફ નહીં કરે. મધ્ય પૂર્વમાં અમેરિકાનું પ્રભુત્વ હવે કાયમ માટે સમાપ્ત થઈ ગયું છે અને અમેરિકા ઇચ્છે તો પણ તે જૂનો સમય પાછો લાવી શકશે નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક