અલ બદ્ર અને હિઝબુલ મુજાહિદ્દીનની હિલચાલથી ગુપ્તચર-સુરક્ષા એજન્સીઓ એલર્ટ
નવી દિલ્હી, તા.26: ભારતીય ગુપ્તચર
એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓને લઈને મોટું એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓના
જણાવ્યા મુજબ લાંબા સમયથી નબળું પડેલું અલ બદ્ર આતંકી જૂથ હવે ફરી ખીણ વિસ્તારમાં સક્રિય
થવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેનાં માટે હિઝબુલ મુજાહિદ્દીન સાથે મળીને વાપસી કરવાની
રણનીતિ પર કામ કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં
અલ-બદ્રના ટોચના કમાન્ડર હમઝા બુરહાનનાં તાજેતરમાં મોતથી સંગઠનને મોટો ઝટકો લાગ્યો
હતો. છતાં ભારતીય એજન્સીઓ માને છે કે આ સંગઠનને નબળું સમજવું મોટી ભૂલ સાબિત થઈ શકે
છે. તાજેતરમાં આંતરેલા કેટલાક સંદેશામાં સંકેત મળ્યા છે કે અલ-બદ્ર અને હિઝબુલ મુજાહિદ્દીન
ફરીથી જમ્મુ-કાશ્મીરમાં પોતાનું નેટવર્ક ઉભું કરવાની કોશિશ કરી રહ્યા છે.
ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે
કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે આ બંને સંગઠનોનું સાથે આવવું વ્યૂહાત્મક
રીતે ફાયદાકારક છે, કારણ કે તેમને બન્ને આતંકી સંગઠન તરીકે રજૂ કરી શકાય છે. આ સંગઠનોમાં
ઘણા એવા લોકો સામેલ છે, જે વર્ષો પહેલાં અભ્યાસના બહાને પાકિસ્તાન ગયા હતા, પરંતુ ત્યાં
તેમને તાલીમ આપી આતંકી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
એજન્સીઓ અનુસાર ઓપરેશન સિંદૂર
દરમિયાન જૈશ અને લશ્કરને ભારે નુકસાન થયું હતું. હવે હિઝબુલ અને અલ-બદ્ર આ પરિસ્થિતિનો
લાભ લઈને પોતાનો કેડર મજબૂત કરવા માગે છે. જોકે આ કારણે આતંકી સંગઠનો વચ્ચે વર્ચસ્વની
લડાઈ વધવાનો ખતરો પણ ઉભો થઈ શકે છે.