વારાણસી, તા. 26 : આજે મંગળવારે ઉત્તરપ્રદેશમાં ગંગા દશેરાની ઉજવણી થઇ હતી. વહેલી સવારથી જ વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા સહિત રાજ્યભરના અનેક શહેરોમાં ઘાટ પર ભક્તોની ભીડ ઊમટી પડી હતી. કાશીના અસ્સી ઘાટ પર 12 અલગ અલગ રાજ્યોના ભક્તો દ્વારા 5,100 સાડીઓથી બનેલી 25500 ફૂટ લાંબી ‘ચુનરી’ માતા ગંગાને અર્પણ કરવામાં આવી હતી. વધુમાં, 501 લિટર દૂધનો ઉપયોગ કરીને નદીમાં એક ધાર્મિક અભિષેક વિધિ કરવામાં
આવી હતી.
પ્રયાગરાજમાં, હજારો ભક્તોએ સંગમમાં
પવિત્ર ડૂબકી લગાવ્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. અયોધ્યામાં ભક્તો
સરયુ ઘાટ પર દાન અને ધાર્મિક પુણ્યનાં કાર્યોમાં પણ જોડાઈ રહ્યા છે. ભજન અને કીર્તન
કરીને, ઘાટ પર ભક્તો મોટી સંખ્યામાં પહોંચવાનું ચાલુ રાખ્યું હતું. બપોરે 12 વાગ્યા
સુધીમાં, કાશીમાં આશરે 1,50,000 ભક્તોએ ગંગામાં પવિત્ર સ્નાન કરી લીધું હતું. પ્રયાગરાજમાં
6,00,000 લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે, જ્યારે અયોધ્યામાં 50,000થી વધુ ભક્તોએ સરયુ
નદીમાં સ્નાન કર્યું છે.