• સોમવાર, 25 મે, 2026

ભાવવધારો અને કપરો સમય

દસ દિવસની અંદર ત્રીજીવાર દેશમાં પેટ્રોલના દરોમાં વધારો થયો છે, કેમ કે ક્રૂડતેલના ભાવ બૅરલદીઠ 100 ડૉલરથી ઉપર છે. ઇરાન સામેના અમેરિકા-ઇઝરાયલના યુદ્ધમાં સતત નવાં-નવાં ફણગાં ફૂટતા રહે છે અને એક દિવસ યુદ્ધ શાંત પડવાના એંધાણ આવે છે, તો બીજા દિવસે ઉન્માદના હોકારા-પડકારા થાય છે.ઈંધણના વધતા દરની અસર હવે વિવિધ મોરચે દેખાવાની શરૂઆત થશે.સૌથી પહેલા તો રિક્ષા-ટૅક્સીચાલકો લઘુતમ ભાડું વધારવાની માગ ફરી બુલંદ કરશે. તો, ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા તેની છાલક નાની-મોટી દરેક વસ્તુઓમાં આવશે અને છેવટે તો આ ભાર નાગરિક નામની કન્યાની કેડ પર આવવાનો છે.સરકારે અત્યાર સુધી આ ભાવવધારો ટાળ્યો, પણ હવે પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. ભારત પાસે ઈંધણનો બફર જથો પૂરતો છે, પણ યુદ્ધ કટોકટી-મડાગાંઠનો કોઈ ઉકેલ દેખાતો ન હોવાથી છેવટે ભાવવધારો કરવો પડયો છે. વળી, કેન્દ્રના પેટ્રોલિયમ પ્રધાન હરદીપાસિંહ પુરીએ બાંયધરી આપી છે કે, દેશમાં ક્રૂડતેલ, નેચરલ ગૅસ, રાંધણગૅસ કે ડીઝલની અછત નથી. બીજી તરફ, લગભગ બધી જ પેટ્રોલિયમ કંપનીઓએ નફો નોંધાવ્યાનું ચિત્ર છે. તો, નાગરિકો વધતા ભાવ અંગે ફરિયાદ ન કરે એ માટે સરકારે આંકડા રજૂ કર્યા છે કે, સરકારી રિફાઈનરીઝને પેટ્રોલ પાછળ લિટરદીઠ રૂા.13, તો ડીઝલમાં લિટરે 38 રૂપિયાનું નુકસાન થાય છે.

ક્રૂડતેલના ભાવમાં છેલ્લા 75 દિવસમાં થઈ રહેલા વધારા છતાં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના દર જાળવી રાખ્યા હતા. જોકે, પંદરમી મેએ પહેલીવાર પેટ્રોલમાં લિટરદીઠ ત્રણ રૂપિયા અને એ પછી 19 અને 23મી મેએ 91-90 પૈસા જેટલો વધારો ઝીંકાયો છે. પેટ્રોલિયમ કંપનીઓને થઈ રહેલા નુકસાનને ખાળવા સરકારે એક્સાઈઝમાં ઘટાડો કરી ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.હવે, રાજ્ય સરકારો પણ પેટ્રોલિયમ પેદાશ પર વેટ ઘટાડે તો સામાન્ય માણસને થોડી રાહત થાય, કેમ કે વિવિધ રાજ્યો દ્વારા વીસ ટકાથી વચ્ચેનો વૅલ્યુ એડેડ ટૅક્સ ઈંધણ પર લગાડવામાં આવે છે.એનડીએના શાસન હેઠળનાં રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો છે, જેથી નાગરિકોને રાહત મળે, પણ મોટા ભાગે તો સરેરાશ કરતાં વધુ વેટદર બધાં રાજ્યોએ જાળવી રાખ્યો છે.બહુ લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલને જીએસટી પ્લૅટફૉર્મ પર લાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, પણ વિવિધ રાજ્ય સરકારો આ પગલાં સાથે સંમત નથી, કેમ કે રાજ્યો માટે ઈંધણ પરના વેટમાંથી થતી આવકનું પ્રમાણ ખાસ્સું મોટું છે. અત્યારના સમયમાં રાજકારણ કોરાણે મૂકી નાગરિકોને રાહત થાય એવાં પગલાંની અપેક્ષા છે.ધારો કે, યુદ્ધ આવતીકાલે પૂરું થઈ જાય તો પણ હોર્મુઝમાં ટ્રાફિક પૂર્વવત્ થતાં અને પુરવઠામાં ઊભી થયેલી ખલેલને સાંધતા એકાદ વર્ષ જેવો સમય લાગી શકે છે, આથી કપરા સમય માટે સરકાર અને નાગરિકોએ સજ્જ રહેવું અનિવાર્ય છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક