• શનિવાર, 20 જૂન, 2026

આધુનિક મહાસંગ્રામનું શાંતિપર્વ

શું થશે ? થશે કે નહીં ? તેવા સંશય- પ્રશ્નોની વચ્ચે આખરે અમેરિકા-ઈરાનની વચ્ચે યુદ્ધસંધિ થઈ ગયાના વાવડે જગતના શ્વાસ નીચે બેસાડયા છે. ઈઝરાયલને સાથે રાખીને અમેરિકા જે તાકાત અને ઝનૂનથી ત્રાટક્યું અને ઈરાને પ્રહારાત્મક પ્રત્યુત્તર આપ્યા તે જોતાં હજી સ્વપ્નમાંથી કોઈ જાગી જાય તો એમ લાગે કે ખરેખર યુદ્ધ સમાપ્ત થયું છે ? અત્યારે તો હા. પૃથ્વીનું આજ સુધીના મહાયુદ્ધ એવા મહાભારતમાં યુદ્ધ પૂર્વે શાંતિપર્વ છે.  અહીં ફેબ્રુઆરી પછી માંડ એક ‘શાંતિપર્વ’ શરૂ થયું છે, ભારત સહિત આખી દુનિયા ઇચ્છે છે કે હવે આ સ્થિતિ રહે. આર્થિક, સામાજિક, નુકસાન બહુ થયું છે. અર્થતંત્ર હવે ભાર ઝીલી નહીં શકે.

આખરે યુદ્ધસંધિ ઉપર હસ્તાક્ષર ફ્રાન્સમાં થયા. ઈઝરાયલ જો કે આ સમજૂતીમાં રાજી નથી. ત્રણેય દેશોએ લોકલાજે લડવાનું આખરે બંધ કર્યું છે પરંતુ આ ભારેલો અગ્નિ છે. ક્યારે શું થાય તે નક્કી કહેવાય નહીં. ઈઝરાયલની જેમ અમેરિકા પણ શાંતિ સમજૂતી મુજબ વર્તન કરશે કે નહીં તે નિશ્ચિત નથી. અમેરિકાને તો આર્થિક પડકાર હતો, વિશ્વસ્તરે તો ટ્રમ્પ સામે નારાજગી વધતી જ હતી, અમેરિકાના નેતાઓ પણ વિરોધમાં હતા એટલે તેણે પણ મજબૂરીમાં જ શત્ર મ્યાન કર્યાં છે. અમેરિકા જીત્યું કે ઈરાન? તેનો જવાબ નથી અને છતાં વિશ્વને તે ખબર જ છે.

હવેનો આધાર ઘણી બાબતો ઉપર છે. એક તો હિઝબુલ્લા અને હૂતી જેવા ખંડનાત્મક સંગઠનોને ઈરાન પ્રોત્સાહન ન આપે તે જરૂરી છે. જો ઈઝરાયલ ઉપર હુમલો કરવા માટે આ બન્ને સંગઠનોને ફરી બળ મળશે તો શાંતિને પુન: દેશવટો મળશે. જગત જાણે છે કે આ સંગઠનો આખરે તો ઈરાનની છૂપી સેના છે. ઈરાન જો આવું કરશે તો પણ તે નબળાઈ તો અમેરિકાની ગણાશે. ઈઝરાયલ ઉપર આમ હુમલો ન કરવાનું દબાણ અમેરિકા લાવી શક્યું નહીં તેવું સાબિત થશે. અમેરિકા પણ એમ કહે કે અમે યુદ્ધમાં જીત્યા તો તે સહજ છે. બન્ને દેશોએ પોતાની પ્રજાને આવો વિશ્વાસ અપાવવાનો હોય પરંતુ ઈરાનનો હાથ ઉપર હોય તેવું વધારે લાગે છે. અમેરિકાએ ફેબ્રુઆરીથી કરેલા ઘાતક હુમલાઓ પછી પણ ઈરાન નબળું પડયું હોવાના કોઈ અણસાર મળ્યા નહીં.

ઈરાને પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન આપ્યું તે એક વાત અમેરિકા માટે માથું ઊંચું રાખવા જેવી અને રાહત થાય તેવી છે પરંતુ ‘પ્રાણ જતા લાગે તો ઈરાન વચન’નો ભંગ કરી પણ નાંખે, આ વાત કેટલી ટકે તે નક્કી ન કહી શકાય. તે સિવાય તો ખાડીક્ષેત્રના દેશો અમેરિકાના છત્ર નીચે સુરક્ષિત નથી તેવું ઈરાને આવા ધૂમધડાકા વચ્ચે પણ પુરવાર કરી દીધું. ચૌદ મુદ્દાના સંધિ કરારમાં વિશ્વના અન્ય દેશોને પણ જેમાં રસ છે તે મુદ્દો હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખવાનો મુદ્દો છે. 60 દિવસની અંદર આ કામ કરવાનું છે. હવે તેનો અમલ કર્યા પછી પણ જો ઈરાન પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસૂલશે તો અમેરિકાને માઠું લાગશે તે પણ નક્કી છે.

યુદ્ધ શરૂ થયું તે પૂર્વે હોર્મુઝ બધા માટે ખુલ્લું હતું. હવે ઈરાનને ત્યાં વર્ચસ જોઈએ છે. જો તે સફળ રહ્યું તો વિશ્વના અન્ય દેશોની અર્થવ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે કારણ કે ઈંધણ-પેટ્રોલ-ડીઝલના ભાવ વધી  શકે. ભારત સહિત વિશ્વના દેશોના ઈરાન સાથેના સંબંધો, વિદેશ નીતિની પણ તે પરીક્ષા હશે. આ બધી જ બાબતો છે અને તેની વચ્ચે મહત્વનું એ છે કે ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા યુદ્ધમાં આયાતુલ્લા ખોમૈનીના મોત સિવાય અમેરિકાને તેમાં પ્રાપ્ત શું થયું તેનો જવાબ તે વિશ્વને શું આપે છે ?

 

ઇ-પેપરના નવા શુલ્ક