• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ગરિમા ચૂક્યા તામિલનાડુના વિપક્ષી નેતા

તામિલનાડુના ડીએમકે પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલીન ફરી એકવાર તેમના અનિયંત્રિત વિધાનોને લીધે વિવાદમાં છે. ત્યાં સુધી વિવાદમાં છે કે, પોલીસે તેમના નિવેદનો બાદ તાત્કાલિક તેમની ધરપકડ કરી લીધી હતી તે જુદી વાત છે કે, તેમને જામીન મળ્યા પરંતુ તેમની ચેષ્ટા યોગ્ય નહોતી. કોઈ રાજ્યના વિધાનસભા વિરોધ પક્ષના નેતાની આટલી ઝડપથી ધરપકડ થાય તે મુદ્દો ઓછો ગંભીર ન હોય તે સમજી જ શકાય અને ઉદયનિધિ પહેલી જ વાર આવી બાબતમાં ફસાયા હોય તેવું નથી. તેમના વિવાદી વિધાનો દક્ષિણ ભારતના રાજકીય ઈતિહાસમાં એ રીતે ‘ચમક્યા’ છે કે, તેની અસર સમગ્ર ભારતીય રાજનીતિ ઉપર પણ થવાની હોય ત્યારે થઈ છે.

દાયકાઓથી ચાલી રહેલા ‘કાવેરી જળવિવાદ’ સંબંધિત એક રેલીમાં ભીડને સંબોધન કરતી વખતે ઉદયનિધિ સ્ટાલીન મર્યાદા ચૂકી ગયા હતા અને તેમણે રાજ્યના મુખ્યમંત્રી થલપતિ વિજય વિશે બોલતા અભિનેત્રી તૃષા કૃષ્ણન સાથેના તેમના સંબંધોનો અયોગ્ય રીતે ઉલ્લેખ કર્યો હતો. દ્વિઅર્થી વિધાનથી તામિલનાડુની રાજનીતિમાં વીજળી પ્રસરી ગઈ હતી. ટીવી કે પક્ષની મહિલા પાંખે ઉદયનિધિની તત્કાલ ધરપકડ સહિતની કાર્યવાહી માટે માગણી કરી હતી. ઉદયનિધિની સામે વિરોધનો વંટોળ ફુંકાયો છે. જવાબદાર નેતાનું આવું વર્તન સ્વાભાવિક રીતે ચર્ચાસ્પદ બને. પોલીસે તેમને મંગળવારે જ તેમના ઘરેથી પકડી લીધા હતા. મદ્રાસ હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા.

પુર્વ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને આ ધરપકડને સરમુખત્યારશાહીનું લક્ષણ બનાવી પરંતુ કોઈપણ મહિલા વિશે આ પ્રકારે થયેલું નિવેદન તો ગુનાને પાત્ર જ છે તેવું સ્વીકાર્યું નહીં. વિરોધ પક્ષ તરીકે ઉદયનિધિ સરકાર, પ્રધાન, મુખ્ય પ્રધાનની વિરૂદ્ધ કંઈપણ બોલવાનો અધિકાર ધરાવે છે પરંતુ કોઈના અંગત જીવન પર આક્ષેપ કરે તેમાં પણ મહિલાનું ચારિત્ર્ય હનન થાય તેવો સંકેત પણ કરે તે ચલાવી કેવી રીતે લેવાય? રાજનીતિનું આ નિમ્ન અને નિંદાપાત્ર સ્તર છે. તામિલનાડુમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે ટકરાવ છે તે વાત તો અત્યારની છે. તૃષા કૃષ્ણન કે અન્ય કોઈપણ મહિલા વિશે આવા નિવેદન નિવારવા જ જોઈએ. જો કે, ઉદયનિધિ માટે આ નવી વાત નથી. 2021માં એઆઈએડીએમકે પક્ષ વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ઈ.પલાની સ્વામીએ પોતાની ખુરશી બચાવવા માટે વી.કે.શશીકલાના ચપ્પલ પકડવા પડયા હતા.

2023માં આ નેતા બોલ્યા હતા કે, મચ્છર ડેન્ગ્યુ કે મેલેરિયાનો વિરોધ થઈ શકતો નથી પરંતુ તેને ખતમ કરવા પડે છે તેવો જ સનાતન ધર્મ છે. જાતિગત ભેદભાવ સાથે સનાતનને જોડીને તેમણે આ નિવેદન કર્યું હતું ત્યારે પણ વિવાદ થયો હતો. કોઈ ધર્મમાં માનવું કે ન માનવું, કોઈ પક્ષનું સમર્થન કરવું કે ન કરવું તે જુદી વાત છે અને તેના વિશે નિમ્ન સ્તરના નિવેદનો કરવા તે એક જવાબદાર નેતાને શોભે નહીં તેવી વાત છે અને આ સર્વગ્રાહી મુદ્દો છે, બધા પક્ષના બધા નેતાને, કાર્યકર્તાને તે લાગુ પડે.

ઇ-પેપરના નવા શુલ્ક