દિલ્હીમાં 28 દિવસ ચાલેલા યુવાનોના આંદોલન પછી પણ કેટલીક ઘટનાઓ હજી વાતાવરણને અસ્થિર કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની જેમ દેશની અંદર પણ આ સમસ્યાને દોઢ માસ થયો છતાં શાંતિ નથી. ‘જેન ઝી’ની તરફેણ અને વિરુદ્ધ એમ બે અભિપ્રાય સ્પષ્ટ ઊભા થઈ ગયા. સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું કે આંદોલન તો નાગરિકનો અધિકાર છે. ફક્ત એટલી વાત ઉપર લાઠીચાર્જ ન હોય. આ મુદ્દો તો પૂર્ણ થયો. રાજ્યસભા અને લોકસભામાં પેપર લીક સામે બિલ પણ પસાર થઈ ગયું. આકરી સજાની જોગવાઈ નક્કી થઈ ગઈ. આંદોલન પૂર્ણ થઈ ગયું તેને આધારિત રાજનીતિ હજી ચાલી રહી છે.
‘જેન
ઝી’ આંદોલનનું વિશ્લેષણ ઘણું થયું. કારકિર્દી માટે નવી પેઢીની નિસબત, પેપર ફૂટયાં કે
પરીક્ષા પદ્ધતિ સારી નથી તો તેની સામેનો તેમનો આક્રોશ અસ્થાને નથી. આંદોલન પણ ગેરવ્યાજબી
નથી પરંતુ કોંક્રોચ જનતા પાર્ટી, તેને વિદેશી સમર્થન વગેરે વાતો બહુ ગાજી. ‘જેન ઝી’ના
આ આંદોલન પછી ખુદ વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર યુવાનો સાથે
સંવાદ કર્યો પરંતુ બહુ મોટો વર્ગ આ યુવાનોને વિવિધ વિશેષણોથી સંબોધતો રહ્યો અને કૃષિ
આંદોલનની જેમ આ આંદોલન પણ પરદેશી ફંડનું પરિણામ છે તેવું કહેવાયું.
આ ચર્ચા
રાજકીય મંચ ઉપર હજી થતી રહેશે. ચિંતા અને ચિંતનનો વિષય છે યુવાનોનું વલણ-વર્તન. ઉશ્કેરાટ,
સૂત્રોચ્ચારના શોર વચ્ચે આ ટોળાંમાંથી કેટલાક અપશબ્દો પણ ઊછળ્યા. પંદર વર્ષની એક તરુણીએ
વડાપ્રધાનને ગાળ દીધી. તેમના માતુશ્રી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાના અહેવાલ છે,
વડાપ્રધાને સ્વયં આ વાતનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને કહ્યું કે બાળપણમાં ભૂલો થાય. હું
આ બાળકોને ક્ષમા કરું છું. પોલીસ એફઆઈઆર પછી વડાપ્રધાનનું આ વલણ જન ગણ મનમાં વસ્યું.
લોકોને તેમની આ વાત ગમી. યુવતીએ બે દિવસ પછી ક્ષમા માગી. માગ્યા વગર અપાયેલી ક્ષમા
પછી ક્ષમા મગાઈ. ક્ષમા મગાઈ ગઈ એટલે કદાચ સજા ન થાય પરંતુ અપરાધની ગંભીરતા ઓછી થતી
નથી. યુવતીએ ગાળ આપી તે વ્યક્તિ માત્ર નથી, દેશના બંધારણીય પદ ઉપર બેઠેલા વ્યક્તિ છે.
વડાપ્રધાન,
મુખ્યમંત્રી કે કોઈ મંત્રી સામે વાંધો હોય. તેમની સાથે ભિન્ન મત અને તેમની સામે વિરોધ
હોઈ શકે પરંતુ તેમની ગરિમા તો જળવાવી જોઈએ. સામે દલીલ થઈ રહી છે અગાઉ આવું આવું કોંગ્રેસના
નેતાઓ વિરુદ્ધ બોલાયું હતું, વડાપ્રધાન કે અન્ય કોઈ બોલ્યું હતું. પૂર્વ નાણામંત્રી
પી. ચીદમ્બરમે કહ્યું, ભાજપના ટ્રોલર્સને વડાપ્રધાને માફ કર્યા, આમ પ્રશ્ન-પ્રતિપ્રશ્ન
ક્યાં સુધી? સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ, બંધારણીય પદ પર બેઠેલા કોઈ પણ વ્યક્તિ વિશે
કંઈ બોલે તે યોગ્ય નથી જ. આંદોલન પૂર્ણ થયું છે. ક્ષમાપના પર્વ ઊજવાઈ ગયું છે. હવે
ચર્ચા લંબાવવાનું મુનાસિબ નથી.