• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

આત્મવિશ્વાસ નહીં અહંકારનું પરિણામ

બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાત - ત્રણ વિધાનસભાઓની ત્રણ બેઠકો માટેની પેટા-ચૂંટણીની રાજકીય અસર માત્ર ત્રણ રાજ્યો માટે નહીં. રાષ્ટ્રીય રાજકારણ ઉપર પડશે એ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. વિપક્ષો જો એમ માનતા હોય કે આ ભાજપનાં વળતાં પાણીની શરૂઆત છે - તો એ ભૂલભરેલી આશા છે. અને જો ભાજપ - એનડીએના નેતાઓ એમ માનતા હોય કે એક-બે પેટા-ચૂંટણીની હાર-જીતની અસર અલ્પજીવિત હશે - તો એ પણ મહાભૂલ છે. આ પરિણામ તમામ રાજકીય પક્ષો માટે સ્પષ્ટ સંદેશ છે. મતદારો પ્રત્યેક ચૂંટણીમાં અલગ સંદેશ આપી શકે છે.

ત્રણ પેટા-ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની બેઠક નિશ્ચિત ગણાતી હતી પણ હવે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી માટે વધુ સજાગ અને સક્રિય બનવું પડશે. આ પરિણામ સાવધાની સૂચક છે.

મધ્યપ્રદેશની બેઠક કૉંગ્રેસે જાળવી રાખી છે પણ તે ભાજપની ભૂલ - આંતરિક ડખા અને નેતાગીરીના વધુ પડતા આત્મવિશ્વાસના કારણે છે! ભાજપે આ બેઠક જીતવા પૂરી તાકાત લગાડી પણ કૉંગ્રેસી ઉમેદવારે છ હજાર વોટ વધુ મેળવીને ભાજપના ઉમેદવારને હરાવ્યા છે. કૉંગ્રેસના સંગઠન અને કાર્યકરોની એકતાએ વિજય અપાવ્યો છે. ભાજપે પૂર્વ ગૃહપ્રધાન અને છ વખત આ બેઠક જીતનારા નરોત્તમ મિશ્રાને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો અને યુવાન આશુતોષ તિવારીને ઉમેદવાર બનાવ્યા હતા.

બિહારની બાંકીપુર બેઠક ઉપર સૌની નજર હતી. અત્યાર સુધી અનેક રાજકીય નેતાઓના ચૂંટણી સલાહકાર - વ્યૂહબાજ પ્રશાંત કિશોર ‘આજકા ચાણક્ય’ તરીકે જાણીતા હતા. કિંગમેકરમાંથી કિંગ બનવા માગતા પ્રશાંત કિશોર હાલ તુરત તો ‘લૉ મેકર’ વિધાયક બની ગયા છે પણ આ પ્રથમ પગથિયું હશે? અત્યાર સુધીમાં એમણે નીતિશકુમાર, મમતા દીદી ઉપરાંત પંજાબમાં કૉંગ્રેસના કૅપ્ટન અમરિન્દર સિંહ, આંધ્ર પ્રદેશમાં 2019માં વાયએસઆરસીપીના જગનમોહન રેડ્ડી અને તામિલનાડુના જોસેફ વિજયને સલાહ - સેવા આપી છે. આમ, કિંગમેકરની તેમની છબિ બની છે. બંગાળની ચૂંટણી વખતે એમની કંપની ‘આય-પેક’ની અૉફિસ ઉપર ઈ.ડી.નો દરોડો પડયો હતો!

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એમણે રાજકીય પક્ષ જન-સૂરાજના ઉમેદવારો ઊભા રાખ્યા પણ એમણે જાતે ઉમેદવારી કરી નહીં - કદાચ તેમનો વ્યૂહ જન-સૂરાજનું નામ અને પરિચય આપી જનતાની નાડ-મિજાજ પારખવાનો હતો અને માત્ર આઠ મહિના પહેલાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર વિજય મેળવ્યા પછી મુખ્ય પ્રધાન નીતિશકુમાર નવી દિલ્હી ‘િશફ્ટ’ થયાના ચાર જ મહિનામાં થયેલી પેટા-ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હાર થઈ છે! બિહારમાં સત્તા હસ્તગત કર્યા પછી ભાજપ માટે આ વસમી હાર છે! આ પરાજય માટે ભાજપે ગંભીર આત્મનિરીક્ષણ અને મંથન કરવું પડશે. પ્રશાંત કિશોરની જીત કરતાં ભાજપની હાર વધુ ગંભીર છે. પેટા-ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ભાજપના એક વરિષ્ઠ નેતાએ જાહેરમાં કહ્યું - અમે શેરીના શ્વાન - કુત્તા યા બિલ્લી - ને પણ ચૂંટાવી શકીએ. આ આત્મવિશ્વાસ નહીં નર્યો અહંકાર હતો. બિહાર ચૂંટણીમાં ઊભા રહેલા ‘જન-સૂરાજ પાર્ટી’ના 238માંથી 236 ઉમેદવારોની તો ડિપૉઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. કુલ 3.4 ટકા મતો મેળવનાર આ પક્ષે હવે ખાતું ખોલાવ્યું છે અને પક્ષના એકમાત્ર વિધાનસભ્ય પેટા-ચૂંટણીમાં આવ્યો છે.

આ બેઠક ઉપર પચાસ હજાર વોટની સરસાઈથી જીતેલા નીતિન નબીન ભારતના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા, વિધાનસભા છોડીને રાજ્યસભાના સભ્ય બન્યા, બનાવાયા ત્યારે જ પક્ષના સિનિયર નેતાઓએ ભૃકુટીઓ ચડાવી હતી. બાંકીપુરની આ બેઠક 1995થી ભાજપના હાથમાં રહી હતી. નીતિન નબીન પાંચ વખત જીત્યા હતા. હવે ભાજપના પ્રમુખ ઉમેદવાર પસંદ કરવાની સર્વસત્તા અપાયા બાદ પરાજય થયો તે ભાજપની નામોશી છે.

હવે ભાજપ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી અને નીતિન નબીન સામે પડકાર છે: કારણ કે છેલ્લી ઘડીએ એમણે ઉમેદવાર બદલવાનો નિર્ણય લીધો હતો. વિજય મેળવ્યા બાદ પ્રશાંત કિશોરે મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીને નિશાના ઉપર લીધા છે! બિહારના લોકોએ નક્કી કરવું જોઈએ કે એમને કેવા મુખ્ય પ્રધાન જોઈએ છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન યોગેશ પટેલનું ગત બીજી જુલાઈએ લાંબી માંદગી બાદ અવસાન થતાં ખાલી પડેલી માંજલપુર બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં ભાજપના સતીષ પટેલે કૉંગ્રેસી ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,630 મતોની સરસાઈથી પરાજય આપ્યો. વડોદરા જિલ્લાના માંજલપુરની આ બેઠક પર ભાજપ-કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી.

ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ સોશિયલ મીડિયા ઉપરાંત લોકોના મિજાજ અને નાડ પારખવાની જરૂર છે. કોક્રોચનો વંશવેલો વિસ્તરવાનું જોખમ તો છે પણ યુવાનો સાથે અનુભવી સિનિયર નેતાઓની સમતુલા જાળવવી જોઈએ. ભાજપના નેતાઓમાં સ્થાનિક સ્તરે અહંકાર વધ્યાનું જોવા મળે છે. પ્રાદેશિક નેતૃત્વમાં આ મદ-અહંકાર પક્ષને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ પરાજય પછી સંસદમાં વિપક્ષી નેતાઓ વધુ જોશમાં આવશે - પણ કૉંગ્રેસ તથા અખિલેશ યાદવ અને એમના સંબંધીઓએ હરખાવા જેવું નથી. વિજય પછી પ્રતિક્રિયા આપતા પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, મારું ધ્યાન બિહાર પર રહેશે, વિરોધ પક્ષની એકતા પર નહીં. બિહારનો વિકાસ મારા એજેન્ડા પર છે, વિપક્ષી એકતા નહીં. તેજસ્વી યાદવના વડપણ હેઠળ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના મતોમાં પ્રશાંત કિશોરની પાર્ટી ભાગ પડાવી શકે છે, એવું વિશ્લેષણ સામે આવ્યું છે. બિહારમાં લાલુ યાદવના નામે વોટ પડતા નથી. એમના ઉમેદવારની ડિપૉઝિટ ગઈ છે. હવે ત્રીજા ખૂણેથી નેતા મેદાનમાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક