વડા પ્રધાન મોદીએ દેશની યુવા પેઢીને ‘નશા-મુક્ત’ કરવા માટે શરૂ થયેલા અભિયાનને બિરદાવતાં કહ્યું છે કે આપણો દુશ્મન પાડોશી દેશ નશીલા પદાર્થો આપણા દેશમાં ઘુસાડે છે તે આતંકવાદી કાવતરાંનો એક ભાગ છે. તેઓ જાણે છે કે ભારતનું ભવિષ્ય યુવાવર્ગના હાથમાં છે. નશીલા પદાર્થોના રવાડે ચડાવીને યુવાવર્ગ તથા ભારતનું ભવિષ્ય ખતમ કરવાનું કાવતરું છે.
નશા-મુક્તિ
આંદોલનમાં દેશભરમાં અઠ્ઠાવીસ હજાર કેન્દ્રોમાં લગભગ એક કરોડ લોકો જોડાયા છે એમને સંબોધતાં
વડા પ્રધાને કહ્યું છે કે દેશભરમાં શાળાઓ તથા કૉલેજોની આસપાસ નશા-મુક્ત વાતાવરણ હોવું
જોઈએ અને આ સંદેશ દેશભરમાં જવો જોઈએ. વિકસિત ભારતના નિર્માણનો આપણો સંકલ્પ છે અને તે
સિદ્ધ કરવા માટે યુવા પેઢી શારીરિક અને માનસિક દૃષ્ટિએ પણ સશક્ત હોવી જોઈએ, આત્મવિશ્વાસનો
થનગનાટ હોવો જોઈએ અને નશીલા પદાર્થોથી મુક્ત રહેવું જોઈએ.
નશા-મુક્તિનો
સંકલ્પ આગામી 100 હપ્તામાં સિદ્ધ કરવાનો લક્ષ્યાંક જાહેર કરીને વડા પ્રધાને કહ્યું
છે કે હવે પછી આવનારા
રવિવારો
કળા, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા મેડિટેશનને સમર્પિત હશે. ભારતને સંપૂર્ણ
નશા-મુક્ત કરવા માટે 100 કદમ ભરવાનાં છે.
વડા
પ્રધાને માત્ર નશા-મુક્તિની વાત નથી કરી, નશાનો ભોગ બનેલા યુવાનોને નવજીવન માટે પુનર્વસન
ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુરોધ કર્યો છે. યુવાનોની કારકિર્દી ઉપરાંત પારિવારિક
જીવનનો પ્રશ્ન છે તેથી વડીલોએ - નશાનો ભોગ બનેલાં બાળકો સાથે પ્રેમપૂર્વક સંવાદ કરવો
જોઈએ. સામાજિક પ્રતિષ્ઠાના બહાને નશાની વાત ગુપ્ત રાખવાની જરૂર નથી.
વડા
પ્રધાને યુવાવર્ગને બચાવવાની, ઉત્કર્ષ સાધવાની વાત કરી છે પણ મુખ્ય પ્રશ્ન એ છે કે:
‘દેશનો પાડોશી દુશ્મન દેશ ભારતમાં નશીલા પદાર્થો ઘુસાડવામાં કેમ સફળ થાય છે? આતંકવાદી
ઘૂસણખોરી આપણે ખતમ કરી છે, ડામી દીધી છે તેમ છતાં મોતના મસાલા કેવી રીતે આવે છે?’
બીજી
વાત: નશીલા પદાર્થોને લગતી ગુનાખોરીના કેસ આ માટેની અલગ - વિશેષ અદાલતો શરૂ કરવામાં
આવી છે પણ આવી અદાલતોમાં અત્યારે લગભગ ચાર લાખ પેન્ડિંગ કેસ છે! પંજાબમાં સૌથી વધુ
60 હજાર અને તે પછી કેરળમાં પચાસ હજાર, ઓડિશામાં 17 હજાર, તામિલનાડુ અને કર્ણાટકમાં
15.75 હજાર કેસ હજુ પડયા છે! વિશેષ અદાલતો કરે છે શું? સરકારે અદાલતોને વધુ સુવિધા
- સત્તા આપવી જોઈએ.