કોંગ્રેસ અને અન્ય વિપક્ષો વિવિધ વિષય પર દેશવ્યાપી વિરોધ કરી રહ્યા છે તે સમયે ગુજરાતમાં કોંગ્રેસે દુષ્કાળ જેવી સ્થિતિને હથિયાર બનાવીને ખેડૂતો-લોકોની લાગણી જીતવાના પ્રયાસ શરૂ કર્યા છે. જો કે, રાજ્ય સરકાર વિવિધ આયોજનો કરી રહી છે અને પીવાના પાણીની અતિ તીવ્ર તંગી રાજ્યમાં નથી તેમ છતાં સ્થિતિ ચિંતાજનક તો છે જ. કોંગ્રેસે ગુજરાતના ઉદ્યોગ અને કૃષિક્ષેત્ર બંને મુદ્દે આંદોલન છેડયું છે. વિપક્ષ તરીકે સરકારનો કાન આમળવાનો અધિકાર કોંગ્રેસને ખરો, જોવાનું એ પણ છે કે, કોંગ્રેસનું પોતાનું સંગઠનનું માળખું વધુ મજબૂત બને. કારણ કે, ચૂંટણી આવે ત્યારે આ સ્થિતિમાં ફેરફાર થતા હોય છે.
કોંગ્રેસના
રાષ્ટ્રીય સ્તરના નેતા રણદીપ સુરજેવાલાએ સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન ગુરૂવારે એવું
કહ્યું કે, જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લામાં વરસાદ અપૂરતો છે. જળાશયેમાં
પાણી નથી તેમ છતાં સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી. ખેડૂતો માટે તાત્કાલિક સર્વેક્ષણની
માંગણી આ સંવાદ દરમિયાન કરવામાં આવી અને એવું પણ કહેવાયું કે, મગફળી અને કપાસ જેવા
પાકના ટેકાના ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી. ખેડૂતો વતી આ માંગણી કોંગ્રેસે મુકી છે,
સાથે જ ઉર્જા ક્ષેત્રની ક્ષતિઓ સંદર્ભે પણ આકરા પ્રહાર કર્યા છે. બીજી તરફ મોરબીમાં
સીરામીક ઉદ્યોગના સંકટ માટે પણ ચિંતા વ્યક્ત કરીને કોંગ્રેસે સબસીડીની માંગ કરી છે.
અહીં
પ્રયાસ તો એવો છે કે, ખેતી અને ઉદ્યોગ બંને ક્ષેત્રે સહાનુભૂતિ મેળવીને કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં
જાગૃત છે તેવું વાતાવરણ ઉભું કરવા માંગે છે. આ તમામ મુદ્દા એકથી વધુવાર ખેડૂત સંગઠનો
અને મોરબીના ઉદ્યોગો દ્વારા સરકાર સમક્ષ મુકાયા છે. સૌરાષ્ટ્રને નર્મદા આધારીત સૌની
યોજનામાંથી પાણી પુરવઠો પ્રાપ્ત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોના અનુભવને આધારે
એવું કહી શકાય કે, પીવાના પાણીની તંગી સૌરાષ્ટ્રમાં ઘણી ઓછી થઈ ગઈ છે. તેના કરતા પણ
અગત્યનું એ છે કે, પ્રજાના કોઈપણ પ્રશ્ને આંદોલન કોંગ્રેસ કરે ત્યારે તેને પ્રજાનું
સમર્થન અને સ્વીકૃતિ મળવા જોઈએ. જેન-ઝી, એસઆઈઆર સહિતના આંદોલનો દરમિયાન પણ ગાંધીનગર
મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓમાં કોંગ્રેસ જન સમર્થન મેળવી શકી નથી. સંગઠનાત્મક વ્યૂહરચના
સૌથી અગત્યની બાબત છે.
સુરજેવાલા
કે પછી કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કરે, સરકારની
ક્ષતિ બતાવે તે બધું માત્ર રાજકીય ગતિવિધિના ભાગરૂપે જ રહે તેના કરતા અગત્યનું છે કે,
પ્રજાની વચ્ચે આ વાત લઈ જવામાં આવે. કોંગ્રેસનું પોતાનું સંગઠન મજબુત બને, પક્ષ છોડીને
કાર્યકર્તાઓ અન્ય પક્ષમાં ન જાય તો આ લડતો કામ આવે. સરકાર સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત
જાહેર નથી કરતી તેવી કોંગ્રેસની માંગણી આખરે તો રાજકીય જ ગણાય, પ્રજા પોતે જો આવું
કહે તો વાત જુદી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર આ દિશામાં નજીકના ભવિષ્યમાં નોંધપાત્ર
જાહેરાત કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.