• શનિવાર, 13 જુલાઈ, 2024

વડવિયાળા ગામે માનવભક્ષી દીપડાએ વૃદ્ધને ફાડી ખાધો

વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા તજવીજ

ઉના, તા.10 : ગીરગઢડા તાલુકાનાં વડવિયાળા ગામે આજે વહેલી સવારે સોપતિયાલા મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ દેલવાડાનાં વતની તેમજ ઘણા સમયથી વડવિયાળા ગામે ખેત મજૂરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વૃદ્ધ પર માનવભક્ષી દીપડાએ હુમલો કરી ફાડી ખાતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવને પગલે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

વડવિયાળા ગામે મનસુખભાઈ ખેનીની વાડીની પાસે મચ્છુન્દ્રી નદી આવેલી છે. અહીં ડાયાભાઈ ચીનાભાઈ સોલંકી નદીના કાંઠે ઝૂંપડામાં સૂતા હતા ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દીપડો ઝૂંપડામાં અંદર ઘૂસી ગયો હતો અને માનવભક્ષી દીપડાએ વૃદ્ધ ડાયાભાઈને ઉપાડી નજીક આવેલી મચ્છુન્દ્રી નદી પાસે લઈ જઈ ફાડી ખાધો હતો. જોકે દીપડો વૃદ્ધને ઉપાડી જતાં તેમની પત્ની જાગી જતાં બૂમાબૂમ કરવા લાગ્યા પરંતુ દીપડો ત્યાંથી વૃદ્ધને લઈ નાશી છૂટયો હતો. ત્યારબાદ વહેલી સવારે આ વૃદ્ધનો દીપડાએ ફાડી ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.  આ ઘટનાની જાણ વન વિભાગે કરતા જશાધાર રેન્જના આર.એફ.ઓ. ભરવાડ, નવાબંદર ફોરેસ્ટર બારોટ તથા જસાધાર રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇમરજન્સી 108 એબ્યુલન્સના ઇએમટી જગદીશ મકવાણા પાયલોટ ભરત બારડ દ્વારા વૃદ્ધના મૃતદેહને ગીરગઢડા સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલ છે. વન વિભાગ   દ્વારા માનવભક્ષી દીપડાની તપાસ હાથ ધરી પાંજરે પૂરવા તજવીજ હાથ ધરેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક