રેકોર્ડબ્રેક ખરીદીમાં ભ્રષ્ટાચારે
પણ માઝા મૂકી હોવાની સરિયામ થતી ચર્ચા : 17 લાખ ટનની ખરીદી થયાનો અંદાજ
રાજકોટ, તા.17 (ફૂલછાબ ન્યૂઝ)
: મગફળીના બમ્પર ઉત્પાદન પછી લઘુતમ ટેકાના ભાવથી સરકારે રેકોર્ડબ્રેક ખરીદી પણ કરી
છે. જે હજુ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી ચાલવાની ધારણા છે. જોકે સરકારી ખરીદી ફરી
વખત ચર્ચાના ચકડોળે ચડી છે. સરકારમાં મગફળી ભરવામાં અનેક ઢબે ભ્રષ્ટાચાર થયો હોવાની
વાતો ખેડૂત અને વેપારી આલમમાં છડેચોક થઇ રહી છે, પરિણામે જ્યારે પણ સરકાર વેચવા માટે
ઓફર મંગાવશે ત્યારે માલ ખરીદવામાં સૌને અત્યારથી જોખમ દેખાવા લાગ્યું છે.
સરકારનો તાજો આંકડો જાહેર થયો
નથી પણ નાફેડે ગુજરાતમાં આશરે 17 લાખ ટન જેટલી મગફળી ખરીદી લીધી હોવાના બિનસત્તાવાર
આંકડાઓ છે. હજુ નોંધાયેલા ખેડૂતોની ખરીદી ચાલુ છે. માવઠાંને લીધે મગફળીને નુક્સાન થતાં
સારી ગુણવતામાં અંદાજે 10 લાખ ટનની ખરીદી ખાનગી સ્ટોકિસ્ટોએ કરી નાંખી છે. એ ઉપરાંત
પાંચ લાખ ટન જેટલી મગફળી પીલાણમાં ગઇ હોવાનો અંદાજ છે. ચાલુ વર્ષે 45 લાખ ટન જેટલું
ઉત્પાદન થવાનો અંદાજ છે. એ જોતા ખેડૂતો પાસેથી 10-11 લાખ ટન જેટલી મગફળી બજારમાં આવશે
એમ માનવામાં આવે છે.
જોકે અત્યારે બધાની નજર સરકારી
ખરીદી પર છે. જે 11 નવેમ્બરથી ચાલી રહી છે. મોટાભાગના ટ્રેડરો અને દાણા ઉત્પાદકો કહી
રહ્યા છેકે દાણા બને એવા માલ એમાં બહુ ઓછાં ગયા છે. આ વર્ષે ભ્રષ્ટાચાર ખૂબ થયો હોવાની
ચર્ચા છે. આ વર્ગ એમ કહે છેકે, અસંખ્ય ખેડૂતોએ પોતાની સારી મગફળી બજારમાં વેંચી દીધી
છે, સસ્તી મગફળી બજારમાંથી લઇને સરકારમાં ભરી હોવાનું સરિયામ ચર્ચાય છે. એ ઉપરાંત કેટલાક
વેપારીઓએ સરકારની ગયા વર્ષની મગફળી ખરીદીને નવા માલ તરીકે ફરીથી ખરીદ કેન્દ્રો પર પધરાવી
દીધી છે !
રાજસ્થાનમાંથી નબળી મગફળી લાવીને
પણ ભરવામાં આવી છે અને મગફળી ઓછી ભર્યા પછી કોથળામાં માટી પણ ખૂબ પધરાવવામાં આવી હોવાના
કિસ્સાઓની ચર્ચા ખૂબ થઇ રહી છે. ચર્ચાતી વાતોમાં જો ખરેખર તથ્ય હોય તો સરકાર જ્યારે
પણ મગફળી વેચવા આવશે ત્યારે એમાં પીલાણ મિલો સિવાય કોઇને ખરીદીમાં રસ રહેશે નહીં.
કેટલાક તટસ્થ વેપારીઓએ એમ પણ
કહ્યું કે, સરકારે રેકોર્ડબ્રેક ખરીદી કરી છે એની સામે આ વખતે ભ્રષ્ટાચાર પણ રેકોર્ડબ્રેક
થયો છે. જે બજારનો બહુધા વર્ગ સારી રીતે જાણે છે.