• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

આજે વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે વિજય હઝારે ટ્રોફીનો ફાઈનલ


વિદર્ભની નજર પહેલી વખત ટ્રોફી જીતવા ઉપર : સૌરાષ્ટ્રની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બનવા મેદાને પડશે

અમદાવાદ, તા. 17 : આવતીકાલે રવિવારે સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે વિજય હઝારે ટ્રોફી 2025-26નો ફાઈનલ મુકાબલો રમાશે. સૌરાષ્ટ્રે બીજા સેમિ ફાઈનલ મેચમાં પંજાબ સામે નવ વિકેટે જોરદાર જીત નોંધાવી હતી અને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. ફાઈનલ મેચમાં વિદર્ભની ટીમની નજર ઈતિહાસ રચવા ઉપર રહેશે. વિદર્ભની ટીમ અત્યારસુધીમાં વિજય હઝારે ટ્રોફી જીતી શકી નથી. ગત સીઝનમાં પણ ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. જો કે ખિતાબી મુકાબલામાં હારથી પહેલી ટ્રોફી જીતવાનું સપનું તુટી ગયું હતું. તેવામાં હવે ફરી એક વખન વિદર્ભ ટ્રોફી જીતવાની આશાએ રમવા ઉતરશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની ટીમ પણ સારા ફોર્મમાં છે. સૌરાષ્ટ્રની ટીમ બે વખત ટ્રોફી જીતી ચુકી છે.

સૌરાષ્ટ્રની ટીમે 2022-23મા મહારાષ્ટ્રને હરાવીને ખિતાબ ઉપર કબજો કર્યો હતો. જ્યારે પહેલી વખત વિજય હઝારે ટ્રોફી 2007-08મા જીતી હતી. તમિલનાડુ અને કર્ણાટક વિજય હઝારે ટ્રોફીના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. જો કે આ વખતે આ બન્ને ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી નથી. વિદર્ભે કર્ણાટકને સેમિફાઈનલમાં હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કર્યું હતું જ્યારે તમિલનાડુની ટીમ આ વખતે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ હતી. તમિલનાડુ ક્વાર્ટર ફાઈનલમાં પણ જગ્યા બનાવી શક્યું નહોતું. વિદર્ભ ઉપરાંત પંજાબ, રાજસ્થાન, આસામ અને મહારાષ્ટ્રની ટીમ પણ ક્યારેય વિજય હઝારે ટ્રોફી જીતી શક્યા નથી.

ઇ-પેપરના નવા શુલ્ક