• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

આટકોટની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપીને ફાંસીની સજા

11 દિવસમાં ચાર્જશીટ બાદ 45 દિવસમાં ચુકાદો : આરોપીને પોતાના કૃત્યનો કોઈ અફસોસ નથી

 

રાજકોટ, તા.17: આટકોટના કાનપર ગામે સાત વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરનારા આરોપીને ફાસ્ટટ્રેક કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે. સામાન્ય જનતાએ ચુકાદાના સમર્થનમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જે અધમ રીતે આ વ્યક્તિએ બાળા સાથે શારીરિક કુચેષ્ટા કરી હતી તે જોતાં તેના માટે કોઈને સહાનુભૂતિ થાય તેવું નથી. ઉલ્લેખનીય છે કે તે પોલીસ જાપ્તામાંથી છટકવા જતાં તેને પગમાં ગોળી પણ વાગી હતી. છેલ્લે 2023માં જેતલસરની સગીર છોકરીની  હત્યાના કિસ્સામાં ફાંસીની સજા આરોપીને કોર્ટે કરી હતી.  દોઢ મહિના પહેલા ખેતરમાં રમતી 7 વર્ષની બાળકીને ઉઠાવી તેના ઉપર ક્રૂરતા આચરનારા આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉ.વ.30) (રહે.મધ્યપ્રદેશ) સામેનો કેસ ચાલી જતા 45 જ દિવસમાં રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટે કોર્ટે તેનો ન્યાય તોળે ફાંસીની સજાનો હુકમ કર્યો છે.

કાનપર ગામે ગત તા.4/1ર/રપના રોજ બપોરે ભોગ બનનારી 7 વર્ષની બાળકી પોતાના ભાઈ-બહેનો સાથે ખેતરની ખુલ્લી જગ્યામાં રમતી હતી ત્યારે આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા બાઈક પર આવ્યો હતો અને ભોગ બનનારી બાળકીને ઉઠાવી બાજુના ઝાડ પાસે લઈ જઈ તેણીના ગુપ્ત ભાગમાં લોખંડનો સળીયો ઘુસાડી દુષ્કર્મનો ગુન્હો આચર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતા તે સાંભળી તેના માસી દોડીને આવતા આરોપી રેમસીંગ ભાગી ગયો હતો. બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારબાદ બાળકીના પિતાએ આટકોટ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મધ્ય પ્રદેશના રહેવાસી આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉ.વ.30) વિરૂદ્ધ પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં આટકોટ તેમજ રૂરલ એલસીબીની ટીમે ગત તા.8 ડીસેમ્બરના રોજ આરોપી રામસીંગની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી પુછપરછ તેને રીકન્સ્ટ્રકશન કરવા માટે આરોપીને સાથે રાખી પોલીસ તેના ઘરે અને ખેતરમાં લઈ ગઈ હતી. તે વખતે આરોપીએ પોલીસ કર્મી પર ધારીયાથી હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં નરાધમના બન્ને પગમાં ગોળી ધરબી હતી.

આરોપીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેની સામે હત્યાના પ્રયાસનો અલગથી ગુનો દાખલ થયો હતો. તપાસનીશ અધિકારીએ ફક્ત 11 જ દિવસમાં સમગ્ર તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજુ કરી દીધુ હતું. આ સમય દરમ્યાન બાળકીના પિતાએ કોર્ટમાં એક પત્ર લખી તેની બાળકીની આ હાલત કરનારા આરોપી સામે તાત્કાલિક કેસ ચલાવી કડક સજા આપવા રજૂઆત કરી હતી. આ બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને કોર્ટે આ કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી છ દિવસમાં પુરાવો નોંધવાનું કાર્ય પૂર્ણ કરી અને 10 દિવસમાં બન્ને પક્ષને સાંભળી ટ્રાયલ પૂર્ણ કરી હતી. આ કેસ 4પ દિવસ સુધી ચાલ્યા બાદ આજે શનિવારના રોજ કોર્ટમાં સ્પેશ્યલ પોકસો કોર્ટના ન્યાયાધીશ વી.એ.રાણાએ આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉ.વ.30)ને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત ભોગ બનનાર બાળકીને સરકારમાંથી રૂા.7 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.

 

રાજકોટમાં અત્યાર સુધી કોર્ટે સંભળાવેલી ફાંસીની સજા

- 1989માં ગાયકવાડીમાં ભારતીય મજદુર સંઘના અગ્રણી હસુભાઈ દવેના પરિવારના ત્રણ સભ્યોની હત્યામાં 1980માં શશીકાંત માળીને ફાંસી અપાઈ હતી.

- કોઠારિયા રોડ પર પત્ની-સંતાનોને જીવતા સળગાવ્યાના કેસમાં 2000માં કોર્ટે નરશી રાજપરાને ફાંસીની સજા ફટકારી હતી. જે સુપ્રીમ કોર્ટે આજીવન કારાવાસમાં તબદીલ કરી હતી.

- 2020માં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કર્યાના ગુનામાં રમેશ બચુ વૈદુકીયાને ફાંસીની સજા થઈ છે. જેની અપીલ ઉપલી કોર્ટમાં પેન્ડીંગ છે.

- માર્ચ, 2023માં જેતલસરની સગીરાના હત્યા કેસમાં જેતપુર સેશન્સ કોર્ટે આરોપી જયેશ ગીરધર સરવૈયાને ફાંસીની સજા સંભળાવી હતી.

- 17 જાન્યુઆરી 2026માં આટકોટમાં બાળકી સાથે હેવાનિયત આચરનારા રેમસીંગ તેરસીંગ ડુડવાને રાજકોટ સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી.

 

દીકરીઓ પર હુમલો કરનારા માટે દયા નથી, માત્ર કડક સજા : હર્ષ સંઘવી

 

‘હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે. ઝીરો ટોલરન્સ. આટકોટ પોકસો કેસમાં એફઆઈઆરથી લઈને સજા સુધીની સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થઇ. આ બતાવે છે કે, ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી. આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે. દીકરીઓ પર હાથ ઉઠાવનારા માટે દયા નથી, માત્ર કડક સજા છે. આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતાના કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો. ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.’

ઇ-પેપરના નવા શુલ્ક