• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

ટ્રમ્પ ક્રિમિનલ, ઈરાનમાં વિનાશ વેર્યો : ખામેનેઈ

હિંસા માટે જવાબદારો પર કોઈ રહેમ નહીં દાખવીએ : ચેતવણી

ઈરાનથી ભારતીયોની ઘર વાપસી શરૂ, દિલ્હી એરપોર્ટે આગમન : ઈરાનની હાલત અંગે અનુભવ વર્ણવ્યા

તેહરાન, તા.17 : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતાં ઈરાનમાં થયેલા મૃત્યુ, નુકસાન અને બદનામી માટે જવાબદાર ઠેરવી તેમને ગુનેગાર ગણાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ઈરાનમાં તાજેતરની અશાંતિ અમેરિકાનું કાવતરું હતું અને ટ્રમ્પે પોતે હસ્તક્ષેપ કર્યો અને વિરોધીઓને ઉશ્કેર્યા હતા. ખામેનેઈએ ચેતવણી આપી કે ઈરાન સરકારી સ્તરે સંયમ રાખશે પરંતુ હિંસા માટે જવાબદાર લોકો પ્રત્યે કોઈ ઉદારતા દાખવશે નહીં.

ઈરાનમાં ઝડપથી બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકોને બહાર કાઢવા પ્રયાસ શરૂ કર્યા છે. શુક્રવારે રાત્રે દિલ્હી એરપોર્ટે મુસાફરોના ચહેરા પર ઘરે પાછા ફરવાની રાહત અને તેઓ પાછળ છોડી ગયેલી હિંસાના ભયનો સ્પષ્ટ સંકેત હતો. ઈરાનમાં 9000 જેટલા ભારતીયો છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. પહેલા જથ્થામાં કેટલા લોકો પરત આવ્યા છે તેનો કોઈ સ્પષ્ટ આંક જાહેર કરાયો નથી.

પોતાના ખર્ચે વ્યાવસાયિક ઉડાનથી પરત આવી દિલ્હી એરપોર્ટ પર ઉતરેલા ભારતીયોએ ઈરાનની સ્થિતિ જણાવી કહ્યું કે ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારત સરકાર ખૂબ જ સહયોગ કરી રહી છે અને દૂતાવાસે અમને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની જાણ કરી. મોદીજી છે તો બધું શક્ય છે.

પ્રવાસીઓએ જણાવ્યું કે છેલ્લા એક કે બે અઠવાડિયામાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ છે. ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ હોવાથી તેઓ તેમના પરિવારો સાથે તેમની સુખાકારી વિશે વાતચીત કરી શકતા ન હતા. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે જ્યારે તેઓ બહાર નીકળતા ત્યારે વિરોધીઓ તેમની કારની સામે આવી જતા, ત્યાં રહેવું અસુરક્ષિત બની ગયું છે. ભારત સરકારે 14-16 જાન્યુઆરી, 2026ના રોજ વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને યાત્રાળુઓને ઉપલબ્ધ વાણિજ્યિક ફ્લાઇટ્સ દ્વારા અથવા રોડ માર્ગે (આર્મેનિયા થઈને) તાત્કાલિક દેશ છોડવાનો નિર્દેશ આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક