• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

આઠ ઇ-કોમર્સ કંપનીને દંડ

ગેરકાયદે વોકીટોકી વેચવા બદલ એમેઝોન, મિશો, મેટા, ફ્લિપકાર્ટને 44 લાખનો દંડ

નવી દિલ્હી, તા. 16 : કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (સીસીપીએ)એ એમેઝોન, ફ્લિપકાર્ટ, મિશો અને મેટા સહિત આઠ કંપની પર 44 લાખનો દંડ ફટકાર્યો છે.

ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ગેરકાયદે વોકીટોકીના વેચાણ બદલ આ કાર્યવાહી કરાઇ છે. જરૂરી લાયસન્સ કે મંજૂરી વિના આ તમામ કંપનીઓ વોકીટોકી વેચતી હતી.

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ કહ્યું હતું કે, મિશો, મેટા, ફ્લિપકાર્ટ અને એમેઝોન પર 10-10 લાખનો દંડ કરાયો છે. એ સિવાય ચિમિયા, જિયોમાર્ટ, ટોકપ્રો અને માસ્કમેન ટોયઝને એક-એક લાખનો દંડ કરાયો છે, તેવું ખરેએ જણાવ્યું હતું. મિશો, મેટા, ચિમિયા, જિયોમાર્ટ અને ટોકપ્રોએ દંડની રકમ ભરી દીધી છે. પર્સનલ મોબાઇલ રેડિયો લાયસન્સ વગર વેચવા બદલ દંડ કરાયો છે.

સીસીપીએની તપાસમાં સામે આવ્યું છે કે, ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા વેચાતાં અનેક ઉપકરણ નિયત સીમાથી બહારની ફ્રિક્વન્સી પર કામ કરી રહ્યા હતા.

આ ઉપકરણોમાં ઇક્વિપમેન્ટ ટાઇપ એપ્રુવલ (ઇટીએ) પ્રમાણપત્ર પણ નહોતું, જે કોઇ પણ વાયરલેસ ઉપકરણ ભારતમાં વેચવા માટે ફરજિયાત છે.

ઇ-પેપરના નવા શુલ્ક