• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

બનાસકાંઠા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 6નાં મૃત્યુ

3 ગંભીર, રોંગ સાઈડમાં આવતી આઈસરે અડફેટે લેતા ઈનોવા કારનો કચ્ચરઘાણ, તમામ મૃતકો રાજસ્થાનના

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 24 : બનાસકાંઠાના ઇકબાલગઢ હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રોગ સાઇડથી આવતા બેફામ ટ્રકે કારને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનનો પરિવાર પાલનપુર તરફ જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયા હોવાનું જાણવા મળી રહયું છે.

પ્રાથમિક માહિતી અનુસાર અમીરગઢના ઇકબાલગઢ નજીક એક આઇશર ટ્રક અને ઇનોવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાકન હતો કે રોંગ સાઇડથી આવતી ટ્રક સીધી જ ગાડી પર ચડી ગઇ હતી અને ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર છ લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જોરદાર અવાજ સાંભળી આસપાસના લોકો અને વાહનચાલકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી.  ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જેસીબીની મદદથી ગાડીના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાઈવે પર અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અમીરગઢ પોલીસે આ મામલે ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રક ચાલકની ગંભીર બેદરકારી અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ આ અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક