રેલવેએ શરૂ કર્યું દેશવ્યાપી અભિયાન : ટ્રેક આસપાસ સંદિગ્ધોની તપાસ, શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ
નવી દિલ્હી, તા. 23 : ભારતીય
રેલવેએ ટ્રેન ઉપર પથ્થરમારો કરતા અસમાજીક તત્ત્વો સામે દેશવ્યાપી અભિયાન શરૂ કરી દીધું
છે. જુલાઈથી ડિસેમ્બર 2025 વચ્ચેના આંકડા અનુસાર છેલ્લા છ મહિનામાં દેશભરમાં પથ્થરમારાની
કુલ 1698 ઘટના નોંધાઈ હતી. રેલવે સુરક્ષા દળ (આરપીએફ)એ આ મામલામાં ત્વરીત કાર્યવાહી
કરતા અત્યારસુધીમાં 665 સંદિગ્ધની ધરપકડ કરી છે. રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે પથ્થરમારાની
ખતરનાક પ્રવૃતિ સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડી રહી છે અને યાત્રીની સુરક્ષા ઉપર
પણ ગંભીર જોખમ ઉભું કરે છે.
આરપીએફની તપાસમાં સામે આવ્યું
હતું કે પથ્થરબાજોના નિશાને સૌથી વધારે વંદે ભારત એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો છે.
જો કે આ આધુનિક ટ્રેનમાં બહુ જ મજબૂત કાચ લગાડવામાં આવ્યા છે. તેમ છતાં ભારે પથ્થરમારના
કારણે નુકસાન પહોંચે છે જ્યારે સામાન્ય યાત્રી ટ્રેનમાં કાચ તુટવાથી અમુક યાત્રી ઘાયલ
થવાના બનાવ પણ સામે આવી ચુક્યા છે.
રેલવેએ એવા સંવેદનશિલ ક્ષેત્રોની
ઓળખ કરી છે જ્યાં ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના વારંવાર થાય છે. આવા ક્ષેત્રમાં આરપીએફનું
પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ અપરાધીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજ ઉપરાંત
સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી રહી છે. રેલવે પ્રશાસને સ્પષ્ટ કરી દીધું છે કે યાત્રીઓના
જીવન જોખમમાં મુકનારા કોઈ પણ શખસોને છોડવામાં આવશે નહીં. પકડાયેલા આરોપીઓ સામે રેલવે
અધિનિયમની ગંભીર ધારાઓ હેઠળ કેસ ચલાવવામાં આવશે. જેમાં એક વર્ષથી 10 વર્ષ સુધીની જેલની
સજાની જોગવાઈ છે.