બેન્ક હડતાળમાં સૌરાષ્ટ્ર-કચ્છના 5500 સહિત ગુજરાતભરના 15,000 જેટલા કર્મચારીઓ
અને
અધિકારીઓ જોડાશે
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.24 : આગામી તારીખ ર7, મંગળવારે રાષ્ટ્રીયકૃત બેન્કો દેશવ્યાપી હડતાળ કરશે. બેન્ક
કર્મચારીઓ - યુનિયન દ્વારા સરકાર સમક્ષ કેટલીક પડતર માગણીઓ છે. જેના ટેકામાં આ હડતાળ
ઘોષિત થઈ છે. જાન્યુઆરી મહિનાની ર4મીએ મહિનાનો ચોથો શનિવાર, ર5મીએ રવિવારની જાહેર રજા,
ર6મીએ પ્રજાસત્તાક પર્વની જાહેર રજા બાદ ર7મીએ મંગળવારે બેન્ક હડતાળને પગલે ગ્રાહકોના
કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર અટકી જશે.
દેશભરની
જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી બેન્કોના કર્મચારીઓના નવ યુનિયનના બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ
બેન્ક યુનિયન દ્વારા બેન્કોમાં પાંચ દિવસનાં સપ્તાહનાં અમલીકરણની માગણીના ટેકામાં તા.27ને
મંગળવારના રોજ દેશવ્યાપી બેન્ક હડતાળનું એલાન અપાયું છે જેમાં વિવિધ બેન્કોના 8 લાખ
જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે.
અગાઉ
આઇબીએ સાથે થયેલી સમજુતીનો અને કરાર હેઠળ બેન્કોમાં પાંચ દિવસનું સપ્તાહ શરૂ કરવા અને
મહિનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નક્કી થયું હતું. જેના બદલામાં બેન્ક કર્મચારીઓ
સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધુ કામ કરશે તેવી પણ સહમતી સાધવામાં
આવી હતી. આ અંગે સરકારની સહમતીની રાહ જોવાય છે પરંતુ સરકારે આ બાબતનાં અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન
ખેંચવા માટે બેન્ક કર્મચારીઓએ હડતાળનું એલાન આપવાની ફરજ પડી હોવાનું ગુજરાત બેન્ક વર્કર્સ
યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે.
વધુમાં જણાવાયું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના
કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેઓની કાર્યક્ષમતામાં વધારો થશે. કેન્દ્ર
સરકાર અને કેટલીક રાજ્ય સરકારો, એલ.આઈ.સી. રિઝર્વ બેન્ક, શેર બજાર, ફોરેક્સ માર્કેટમાં
હાલ પાંચ દિવસનું સપ્તાહ અમલી છે. માત્ર બેન્ક કર્મચારીઓને જ બાકાત રાખવામાં આવ્યા
છે. દર શનિ - રવિ બેન્કોમાં રજા રાખવાથી ગ્રાહક સેવાને કોઈ અસર પડશે નહીં કારણ કે આજે
નાણાકીય વ્યવહાર માટેના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.
તા.27ના રોજ બેન્ક હડતાળમાં રાજકોટના 1500, સૌરાષ્ટ્ર-કચ્છના
5500 સહિત ગુજરાતભરના 15,000 જેટલા કર્મચારીઓ જોડાશે અને પોતાની માગણીઓનો પડઘો પાડશે.
આ સાથે સળંગ ચાર દિવસ બેન્કિંગ વ્યવહારો ઠપ થતા ધંધા-ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ મહિનાના
અંતિમ દિવસો ચાલતા હોઈ, નોકરિયાતો-ગૃહિણીઓ તેમજ સરેરાશ તમામ નાગરિકોને વગર વાંકે પરેશાની
ભોગવવી પડશે.