• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

એક કેદીનો પુત્ર લોકરક્ષક, બીજાનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ થયો

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે  બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાન

 

અમદાવાદ, તા.28 : કોઈ નબળી ક્ષણે, આવેશમાં ભરાયેલું પગલું વ્યક્તિનું જીવન બદલી નાંખે છે. કાયદાના સંઘર્ષમાં આવ્યા પછી જેલમાં કેદ થયેલા લોકો પોતાના કરેલા કર્મ ઉપર પારાવાર પસ્તાવો કરતા હોય છે. અને આવા કિસ્સામાં ‘બાપ એવા બેટા’ ન બને તેવી પ્રાર્થના કરતા હોય છે તેમજ તેમના સંતાનોને કાનૂનનો આદર કરીને સન્માનપૂર્વકનુ જીવન જીવવાની સલાહ આપતા હોય છે. આવી સલાહ બે યુવાનોએ સાર્થક કરી જેલમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં કેદ પિતાને પણ ગૌરવ સાથે આત્મશાંતિ અપાવી છે.

અમદાવાદ મધ્યસ્થ જેલના કેદી રાજેન્દ્રાસિંહ જટુભા જાડેજાના પુત્રે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પ્રક્રિયા પૂર્ણ કરી ‘અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ’ તરીકે પસંદગી મેળવી છે. તે ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલના જેલમુક્ત પાકા કેદી સુરસંગભાઈ સોલંકીના પુત્રે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે ‘જુનિયર ક્લાર્ક’  તરીકે નિમણૂક મેળવી છે.

આ બંને તેજસ્વી યુવાનોને રાજ્યના પોલીસ વડાના હસ્તે ‘િવકાસદીપ’ યોજના હેઠળ રૂ. 15,001/- નો રોકડ પુરસ્કાર, યાદગાર મોમેન્ટો તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે અમલી કરાયેલી ‘િવકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યોજાયો હતો.

આ અવસરે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે. બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક