• શનિવાર, 02 મે, 2026

‘સાડીના પાલવમાંથી સીટ ખેંચીને લાવ્યા’ જગદીશ વિશ્વકર્માના નિવેદન પર વિવાદ ભાજપના પ્રદેશ પ્રમુખના વિધાનને માત્ર કોંગ્રેસે જ નહીં સાધુ સંતોએ પણ વખોડી કાઢયું !

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 1: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાલનપુરના ચડોતર ખાતે એક કાર્યક્રમમાં ભાજપની જીત અંગે બોલતા જણાવ્યું હતું કે સાડીના પાલવમાંથી સીટ ખેંચી લાવ્યા છીએ. વિશ્વકર્માના આ નિવેદને ભારે વિવાદ જગાવ્યો છે. આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજનીતિમાં શબ્દોની ગરિમા અને સંસ્કારોનું જ્યારે પતન થાય છે, ત્યારે સત્તાનો અહંકાર જન્મે છે. આ અહંકાર હંમેશાં બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું તાજેતરનું નિવેદન કે ‘સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી ગયા’, એ માત્ર એક રાજકીય કટાક્ષ નથી પણ ગુજરાત ભાજપના નેતાઓની સ્ત્રીઓ પ્રત્યેની એ માનસિકતાનું જીવતું-જાગતું ઉદાહરણ છે. ઈતિહાસ સાક્ષી છે કે જે શાસકો કે શાસન દીકરીની સાડીની રક્ષા નથી કરી શકતું એનું પતન નિશ્ચિત હોય છે. આજે બનાસના લોકપ્રિય સાંસદ ગેનીબેન જેવા સક્ષમ લોકપ્રતિનિધિ માટે વપરાયેલા આ હીન શબ્દો એ માત્ર એક વ્યક્તિનું અપમાન નથી, પણ ગુજરાતની દરેક દીકરીની અસ્મિતા પર પ્રહાર છે.

થરાદમાં યોજાયેલા સમૂહલગ્નમાં જગદીશ વિશ્વકર્માના નિવેદન સામે ઋષિ ભારતી બાપુએ હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષના પ્રમુખોને બોલવાનું ભાન નથી. ગેનીબેન પર આપેલું નિવેદન નારી શક્તિનું અપમાન છે. નારીના પાલવ સુધી હાથ નાખવાની વાત અભદ્ર વ્યવહાર કહેવાય તેમણે માતૃશક્તિના અપમાન સામે સમાજને વિરોધ કરવા અપીલ કરી હતી. ભાજપ પ્રમુખના નિવેદનથી સંતો અને સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

સાંસદ ગેનીબેન ઠાકોરે જગદીશ વિશ્વકર્માના નિવેદનને ભાજપનો ઘમંડ અને નારીશક્તિનું અપમાન ગણાવ્યું હતું. તેમણે વિશ્વકર્માને 2027માં બનાસકાંઠાથી તેમની સામે ચૂંટણી લડી બતાવવાનો પડકાર પણ ફેંક્યો છે. એટલું જ નહી આ અંગે જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું વિશ્વકર્માના નિવેદનપર ફોજદારી ગુનો દાખલ થવો જોઇએ. આવું નિવેદન ગુજરાતની પ્રત્યેક માતા અને બહેનોનું અપમાન છે. કોંગ્રેસના કિરીટ પટેલે જણાવ્યું હતું કે વિશ્વકર્માએ પોતાના નિવેદન બદલે ગેનીબેનની માફી માગવી જોઇએ. 

ઇ-પેપરના નવા શુલ્ક