• શનિવાર, 02 મે, 2026

‘પાકિસ્તાનને ભૂલી જાઓ, તો જ મળશે ભારતનો સાથ’

રાજનાથ સિંહે ઈટાલિયન સમકક્ષ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત : આતંકવાદી દેશ પાકિસ્તાનને ટેક્નોલોજી ન આપવા આગ્રહ કર્યો

નવી દિલ્હી, તા. 1 : ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીના માનેકશો સેન્ટરમાં ઈટાલીના રક્ષા મંત્રી ગુઈડો ક્રોસેટો સાથે ઉચ્ચ સ્તરની દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠકનું મુખ્ય કેન્દ્ર ભારતની સુરક્ષા ચિંતાઓ અને બન્ને દેશ વચ્ચેના સંબંધોને વધારે મજબૂત કરવાનો હતો. આ દરમિયાન પાકિસ્તાનનો મુદ્દો પણ ઉઠયો હતો.

રક્ષા મંત્રાલયના સૂત્રો અનુસાર વાતચીત દરમિયાન રાજનાથ સિંહે ભારતીય સુરક્ષા હિતને સર્વોપરિ રાખતા ઈટાલીને સ્પષ્ટ રીતે આગ્રહ કર્યો હતો કે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારના સંભવિત રક્ષા ટેક્નોલોજી સહયોગ અને તેને શેર કરવાથી બચે. ભારતે ઈટાલીને યાદ અપાવ્યું હતું કે તે ભૂતકાળમાં પાકિસ્તાનને ઘણા રક્ષા ઉપકરણ, નૌકાદળ સંબંધિત પ્લેટફોર્મ, હેલીકોપ્ટર, ડ્રોન અને મિસાઈલ સપ્લાય કરી ચૂક્યું છે. ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે, આ માટે ઈટાલીએ પોતાની રક્ષા ટેક્નોલોજી પાકિસ્તાનને આપવી જોઈએ નહી.

આ વાત ઉપર ઈટાલી તરફથી પણ સકારાત્મક પ્રતિક્રિયા આવી હતી. ઈટાલિયન પક્ષ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભારતને જે વિશિષ્ટ ટેક્નોલોજી રજૂ કરવામાં આવી છે તે પુરી રીતે ભારત માટે જ રહેશે અને કોઈ પણ અન્ય દેશને આપવામાં આવશે નહી. ઈટાલીની સૌથી મોટી રક્ષા કંપની લિયોનાર્ડો ઉપર વીવીઆઈપી હેલીકોપ્ટર કૌભાંડના કારણે ભારતીય રક્ષા મંત્રાલયે લગભગ 1 દશક સુધી પ્રતિબંધ લાદ્યો હતો અને હવે આ પ્રતિબંધ દૂર થયો છે. વાપસી બાદ કંપની મોટા રક્ષા કોન્ટ્રાક્ટસ મેળવવા કોશિશ કરી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક