CBI કોર્ટે બન્ને આરોપીને રૂ.1.12 કરોડથી વધુનો દંડ ફટકાર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.18 : અમદાવાદ સ્થિત
સીબીઆઈ કોર્ટે રૂ.2.60 કરોડની લોન કૌભાંડમાં ઈન્ડિયન ઓવરસીઝ બેન્કની હિંમતનગર શાખાના
પૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત બેને ત્રણ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે હિંમતનગરની ઇન્ડિયન
ઓવરસીઝ બેન્કના પૂર્વ મેનેજર નીરજ કુમાર જૈન અને ખાનગી શખસ કેતનકુમાર મોહનલાલ પટેલને
કુલ રૂ.1,12,60,000નો દંડ કરતો ચુકાદો આપ્યો છે.
સીબીઆઈએ 8 મે 2014ના રોજ હિંમતનગરની
ઇન્ડિયન ઓવરસીઝ બેંકના બ્રાન્ચ મેનેજર નીરજ કુમાર જૈન અને અન્ય 15 ખાનગી વ્યક્તિ વિરુદ્ધ
નોંધેલા કેસમાં આક્ષેપ કરાયો હતો કે, આરોપી નીરજ કુમાર જૈને ઓક્ટોબર 2012થી સપ્ટેમ્બર,
2013ના ગાળા દરમિયાન આઈઓબીમાં મેનેજર તરીકે કામ કરતી વખતે નિલેશ દયાભાઈ પટેલ અને કેતન
એમ. પટેલ તથા અન્ય 13 લોન લેનારાઓ સાથે મળીને કાવતરું ઘડીને ગ્રીનહાઉસ પ્રોજેક્ટ સ્થાપવાના
મામલામાં નકલી દસ્તાવેજોને અસલી તરીકે ઉપયોગ કરીને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક સાથે રૂ.2.60
કરોડની છેતરાપિંડી કરી હતી. તત્કાલીન બ્રાન્ચ મેનેજર એવા આરોપી નીરજ કુમાર જૈને આ લોન
મંજૂર અને વિતરિત કરીને પોતાના સત્તાવાર હોદ્દાનો પણ દુરુપયોગ કર્યો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી
નીરજ જૈને ગ્રીનહાઉસ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે વારંવાર 14 એગ્રીકલ્ચરલ ટર્મ લોન મંજૂર
અને વિતરિત કરી હતી. આરોપી નિલેશ દયાભાઈ પટેલ અને કેતન એમ. પટેલે બે લોન અને બાર લોન
માટે તેમના સંબંધીઓ અને પરિચિત વ્યક્તિના નામે અરજી કરી હતી અને દરેક લોન માટે રૂ.19
લાખ મંજૂર કરાવ્યા હતા.
તપાસ પૂર્ણ થયા બાદ સીબીઆઈએ
24 ડિસેમ્બર 2014ના રોજ આરોપી તત્કાલીન બ્રાન્ચ મેનેજર નીરજકુમાર જૈન અને ત્રણ ખાનગી
વ્યક્તિ નિલેશ દયાભાઈ પટેલ (પ્રોપ. મેસર્સ રિયા ઇરિગેશન, મેસર્સ એન.ડી. એગ્રીકલ્ચર
અને મેસર્સ માય ગ્લોબલ વિલેજ, સાબરકાંઠા), કેતન મોહનલાલ પટેલ અને અવિનાશ યશવંતકુમાર
પટેલ (પ્રોપ. મેસર્સ સાગર ડ્રિપ ઇરિગેશન, કિસાન એગ્રોમિલ સરકારી જીન રોડ, હિંમતનગર)
વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈ કોર્ટે સુનાવણી બાદ બન્ને આરોપીને દોષિત ઠેરવીને
ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. અવિનાશ યશવંત કુમાર પટેલ વિરૂદ્ધના આરોપો સાબિત
થઈ શક્યા ન હોવાથી તેને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરાયો છે. આરોપી નિલેશ દયાભાઈ
ફરાર હોય તેની ટ્રાયલ અલગ કરવામાં આવી છે.