• રવિવાર, 19 જુલાઈ, 2026

અમરેલી, જામનગર પંથકમાં સારો વરસાદ, જૂનાગઢમાં ઝાપટાં : રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત

17 જિલ્લામાં યલો એલર્ટ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 18 : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમાં આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, જામનગર પંથકના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો. જ્યારે જૂનાગઢ પંથકમાં ઝાપટાં વરસ્યા હતા. હાલ રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનું ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું હતું.

 અમરેલી જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજુલા તાલુકાના હિંડોરણા, ભેરાઈ, કડિયાળી, પીપાવાવ ધામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ લાઠી શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાંથી લોકોને રાહત મળી છે.

જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાં સવારે જોરદાર ઝાપટું વરસ્યું હતું. જેનાથી રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. ત્યારબાદ સાંજે પણ ફરી એક ઝાપટું વરસ્યું હતું. આ સાથે ગિરનાર પર્વતમાળામાં ધોધમાર અડધો ઈંચ જળવર્ષા થઈ હતી.

જામનગર પંથકના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.

બીજી તરફ, વલસાડ શહેર અને જિલ્લાના કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાના બીજા રાઉન્ડની શરૂઆત થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગીર સોમનાથના ઉનામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સુન ટ્રફ સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકામાં અત્યાર સુધી 233 મિલીમીટર વરસાદની સામે માત્ર 8.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે દ્વારકામાં 96 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક