• રવિવાર, 19 જુલાઈ, 2026

ખાંડ કડવી, કિલોએ રૂ. 6નો આકરો ભાવવધારો

વરસાદની અનિશ્ચિતતા નવી મોસમમાં ખાંડ ઉત્પાદનને પ્રભાવિત કરશે : સરકાર સફાળી જાગી

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.18 : અલનીનો ઇફેક્ટને લીધે વરસાદની અનિયમિતતા વચ્ચે ખરીફ ઉત્પાદનમાં મોટો કાપ તોળાઇ રહ્યો છે, એવા સંજોગમાં શેરડીના પાકમાં પણ પાણીની અછતથી રિકવરી નહીં આવે એવી ગણતરીએ ખાંડના ભાવમાં સટ્ટો થઇ ગયો છે. અભૂતપૂર્વ તેજી વચ્ચે ખાંડનો ભાવ કડવો લાગે તેવી પરિસ્થિતિ થઇ ચૂકી છે. છૂટક સ્તરે મહિનામાં એક કિલોએ રૂ. 5થી 6.5 જેટલો ઉંચકાઇ ગયો છે. સપ્તાહમાં રૂ. 2થી 3.5ની તેજી આવી ચૂકી છે. સરકારે હરકતમાં આવીને તેજીને કૃત્રિમ-સટ્ટાકિય ગણાવી છે. કદાચ હવે આયાતનું શસ્ત્ર પણ ઉગામાશે.

ખાંડ મિલોના સંગઠન ઇસ્માએ કહ્યું છેકે, દેશની માગને પહોંચી વળવા માટે પૂરતી ખાંડ ઉપલબ્ધ છે. જોકે અત્યારે તો સૌને વધતા ભાવમાં વધુને વધુ તેજી દેખાતી હોવાથી લાવ લાવ વધી ગઇ છે. સરકારે ખાંડ મિલોને  નવી મોસમમાં વહેલામાં વહેલી તકે ક્રશીંગ શરૂ કરવા સંમતિ આપી છે. જોકે ફફડાટ અત્યારે બધાને નવી મોસમમાં ઉત્પાદનની અનિશ્ચિતતાનો છે, વર્તમાન માલછતનો નહીં.

ખાંડના ભાવ ગુજરાતમાં રિટેઇલ સ્તરે રૂ. 5થી 7 જેટલો વધી ચૂક્યો છે. રાજકોટમાં ખાંડનો છૂટક ભાવ રૂ. 48.50થી 50 રૂપિયા થઇ ગયો છે. ખાંડ રૂ. 50માં વેચાઇ રહી હોય તેવો પ્રથમ બનાવ આ વર્ષે છે.

ખાંડ મિલોમાં પણ તોતીંગ વધારો થઇ જતા ગુજરાતમાં રૂ. 4642-4768માં સોદા થાય છે. જ્યારે મહારાષ્ટ્રમાં એસ 30 રૂ. 4672-4751 અને એમ 30 રૂ. 4751-4803 થઇ ગયો છે. સરકાર આક્રમક ઢબે કોઇ પગલા ન લે તો તેજી અવિરત રહેવાની સંભાવના ટ્રેડરો બતાવે છે.

ભારતમાં 20258-26માં 280 લાખ ટન ખાંડ ઉત્પાદન થયું છે. જે ગયા વર્ષના 262 લાખ ટન કરતા વધારે છે. છતાં તેજી થઇ છે એટલે સટ્ટો વધ્યાની આશંકા છે. જોકે સરકારે 15 લાખ ટનની નિકાસ છૂટ આપી હતી એમાંથી સાડા સાત લાખ ટનની જ નિકાસ થઇ છે. હવે નવા સપ્તાહે સરકારી પગલાં તોળાય રહ્યા છે ત્યારે તેજીવાળાને ફફડાટ પણ વધ્યો છે. ઉલ્લેખનીય છેકે ઇથેનોલ બનાવવા માટે શેરડીનો જથ્થો વધારે જઇ રહ્યો હોવાથી પીલાણ યોગ્ય જથ્થો અપૂરતો મળશે એવો પણ ભય છે. ખાંડ બજારની વિવિધ થીયરીઓ વચ્ચે સામાન્ય વર્ગને તીવ્ર ભાવવધારો સહન કરવાનો આવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક