પાછલા ત્રણ મહિનામાં વિશ્વમાં 71 જહાજ તોડયાં, ભારતે ફક્ત 19 તોડયાં
રાજકોટ, તા.17 (ફૂલછાબ ન્યૂઝ)
: જૂના જહાજો તોડી પાડવાની બાબતમાં વિશ્વમાં ભારતને બીજા ક્રમે ધકેલીને બાંગ્લાદેશ
સૌથી આગળ રહ્યું છે. એપ્રિલથી જૂનના ત્રિમાસિકમાં કુલ 71 જહાજ વિશ્વમાં તોડી પાડવામાં
આવ્યા હતા. એમાંથી 35 જહાજ બાંગ્લાદેશે તોડી પાડીને પ્રથમ રહ્યું હતું. ભારતમાં માત્ર
19 જહાજ અને પાકિસ્તાનમાં ફક્ત 3 જહાજો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે તૂર્કીમાં 7,
યુરોપમાં 6 અને ચીનમાં 1 જહાજ તોડી પાડવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાંથી ભારત કરતા પણ
સારા ભાવની ઓફર જહાજ માલિકોને કરવામાં આવે છે એટલે ત્યાં વધારે જહાજ જાય છે. ભારતમાં
ગ્રીન યાર્ડની સંખ્યા વધારે છે પણ ખર્ચ વધી જતું હોવાથી મુશ્કેલી પડે છે. એ ઉપરાંત
બાંગ્લાદેશમાં સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ અને બાંધકામ માટેની માગ વધારે છે એટલે ત્યાં વધારે
ખરીદી જહાજોની થાય છે. 2025માં માલવહન ભાડાં ઉંચા હતા એ કારણે ઘણા માલિકોએ જૂના જહાજો
વધુ ચલાવી લીધાં છે, જોકે હવે થોડી ઉપલબ્ધિ જૂના જહાજોની વધી છે.
ભારતમાં જહાજોની સંખ્યા ઘટી છે
કારણકે જહાજ માલિકને બાંગ્લાદેશમાં વધારે દામ મળે છે.
ભારતમાં હવે જો કોઈ જહાજને માન્ય
શિપયાર્ડમાં રિસાયકલ કરવામાં આવે છે, તો માલિકને જહાજના ભંગાર મૂલ્યના લગભગ 40 ટકા
જેટલી ક્રેડિટ મળે છે. તેનો ઉપયોગ ભારતમાં નવા જહાજના નિર્માણનો ખર્ચ ઘટાડવા માટે થઈ
શકે છે. સરકારની આ નવી યોજના છે જેનો ફાયદો હવે જહાજ ભાંગનારા ઉઠાવી રહ્યા છે.
પાકિસ્તાનમાં હોંગકોંગ કન્વેન્શનના
અમલીકરણને મંજૂરી આપવા માટે, એક નવો દરિયાઈ કાયદો, ધ એન્વાયર્નમેન્ટલી સાઉન્ડ મેનેજમેન્ટ
ઓફ ઇન્વેન્ટરી ઓફ હેઝાર્ડસ મટીરિયલ ઓન શિપ્સ બિલ, 2026 મંજૂર કરવામાં આવ્યો છે. જોખમી
સામગ્રીનું નિયમન કરવાનો, પર્યાવરણીય અને કાર્યસ્થળ સલામતીના ધોરણોમાં સુધારો કરવાનો
અને ટકાઉ શિપબ્રાકિંગ પ્રથાઓને મજબૂત બનાવવાનો આ કાયદો છે.