ભાવનગરના નકલી દારૂકાંડમાં ચોંકાવનારો
ખુલાસો ; મુકેશ પટેલ અને દારૂ સપ્લાયર સંજય સામે હત્યાનો ગુનો નોંધાયો
ભાવનગર, તા.12 : ભાવનગરમાં
13 લોકોના મૃત્યુને કારણે રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા નકલી દારૂ કાંડમાં હવે હત્યાનો
ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પ્રથમ વખત આ કાંડમાં હત્યાનો ગુનો નોંધાયો
છે. આનંદનગરમાં રહેતા રિક્ષા ચાલક ભાવેશભાઈ ધીરૂભાઈ વિસાણીની તેના જ મિત્ર મુકેશ હસમુખભાઈ
પટેલે ધંધાકીય અદાવત અને આર્થિક લાભ માટે કાવતરું ઘડીને ઝેરી નકલી દારૂ પીવડાવી હત્યા
કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે ઘોઘા રોડ પોલીસે મુકેશ પટેલ અને નકલી
દારૂ સપ્લાયર સંજય સામે હત્યા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આનંદનગરની જલારામ સોસાયટીમાં
રહેતા ભાવેશભાઈ વિસાણીની અચાનક તબિયત બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. શરૂઆતમાં પોલીસે શંકાસ્પદ મોતની
નોંધ કરી મૃતકના વિસેરા સહિતના નમૂના એફએસએલમાં મોકલ્યા હતા. એફએસએલ રિપોર્ટમાં ભાવેશભાઈનું
મૃત્યુ નકલી ‘રોયલ સ્ટેગ’ દારૂ પીવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે તપાસ વધુ ઊંડી
કરી હતી. તપાસમાં સામે આવ્યું કે ભાવેશભાઈ અને મુકેશ પટેલ મિત્રો હતા અને બંને સ્કૂલ
વર્ધીની રિક્ષા ચલાવતા હતા. બંને વચ્ચે ધંધાકીય બાબતે મનદુ:ખ અને વૈમનસ્ય થયું હતું.
દરમિયાન મુકેશ પટેલ અને અનોપાસિંહ ઝાલાએ ઘોઘા જકાતનાકા, શાકમાર્કેટ પાસે સંજય પાસેથી
‘રોયલ સ્ટેગ’ની એક-એક બોટલ ખરીદી હતી. દારૂ નકલી અને નુકસાનકારક હોવાનું જાણવા મળતાં
અનોપાસિંહે થોડો દારૂ પીધો બાદ બાકીનો ઢોળી નાખ્યો હતો અને સારવાર લીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મુકેશે
દારૂની બોટલ ફોડી નાખ્યાની ખોટી વાત કહી હતી, પરંતુ હકીકતમાં તેણે બોટલ પોતાની પાસે
સંતાડી
રાખી હતી. ભાવનગરમાં નકલી દારૂથી
13 લોકોના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ થયા હોવા છતાં મુકેશે આ ઝેરી દારૂ ભાવેશભાઈને પીવડાવ્યો
હતો. ભાવેશભાઈના મૃત્યુથી સ્કૂલ વર્ધીના ધંધામાં પોતાને આર્થિક ફાયદો થશે, તેવી તેની
ગણતરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર કાવતરું બહાર આવતા પીએસઆઈ
એ.એસ. કટારાએ ફરિયાદી બની બંને સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે મુકેશ પટેલ અને સંજયને
ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે આ કેસમાં દારૂ ક્યાંથી આવ્યો, તેની સપ્લાયમાં
અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં અને સમગ્ર ઘટનામાં આરોપીઓની ભૂમિકા કેટલી હતી
તે અંગે તપાસ કરી રહી છે. કેસની આગળની કાર્યવાહી દરમિયાન વધુ વિગતો બહાર આવવાની પણ
શક્યતા છે.