(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.11 : રાજ્ય સરકારે ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964માં સુધારો
કરીને ફરજ બજાવતા સંરક્ષણ દળોના વર્તમાન જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને
શહીદ જવાનોની વિધવાઓના પોતાના રહેણાંક મકાનને ‘પંચાયત કર’માંથી મુક્તિ આપવાની જોગવાઈ
કરી છે.
આ નિર્ણયથી
ગુજરાત રાજ્યની હદમાં આવેલા ગ્રામ પંચાયત વિસ્તારમાં સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા
તેના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક મિલકતને કરમુક્તિનો લાભ મળશે. આ જોગવાઈ ફરજ બજાવતા
સંરક્ષણ દળોના કર્મચારીઓ તેમજ તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોની વિધવાઓને
લાગુ પડશે.
કરમુક્તિનો
લાભ માત્ર પોતાના રહેણાક ઉપયોગ માટેના એક મકાન પૂરતો રાખવામાં આવ્યો છે. આમ, નિયમમાં
કરાયેલી જોગવાઈનો સીધો હેતુ સૈનિકો અને તેમના પરિવારોના રહેણાક મકાનને રાહત આપવાનો
છે.
વાંધા-સૂચનો
બાદ નિયમોમાં સુધારો
આ નિર્ણય
લેતા પહેલાં રાજ્ય સરકારે નિયમોમાં સુધારા માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા હતા. ડિસેમ્બર
2025માં ગુજરાત સરકારના અસાધારણ ગૅઝેટમાં ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ કરીને સંબંધિત વ્યક્તિઓ
પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલા વાંધા અને સૂચનો પર વિચારણા
કર્યા બાદ સરકારે અંતિમ સુધારા નિયમો જાહેર કર્યા છે.