25થી વધુ સ્થાનિક મહિલાઓને ઘરઆંગણે
મળી રહી છે ગૌરવપૂર્ણ રોજગારી : ‘વોકલ ફોર લોકલ’ અને મહિલા આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ
તાલુકામાં આયોજિત થતો ઐતિહાસિક અને વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ,
પરંપરા અને ભાતીગળ વારસાનું અપ્રતિમ પ્રતીક છે. આ મેળાની સૌથી વિશિષ્ટ અને આગવી ઓળખ
થાનગઢના કારીગરો દ્વારા તૈયાર થતી અત્યંત રંગબેરંગી રૂમાલ સાથે આકર્ષક અને ઝીણવટભર્યા
ભરતગૂંથણવાળી છત્રીઓ છે. છેલ્લા 50 વર્ષથી
આ હસ્તકલા ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્યરત અમિતભાઈ દરજી અને તેમનો પરિવાર પોતાની અનન્ય
કલાસૂઝ તથા કારીગરીથી આ પ્રાચીન પરંપરાને જીવંત
રાખીને તેને વૈશ્વિક ઓળખ અપાવી રહ્યો છે.
થાનગઢના હસ્તકલા અને ભરતકામના
વ્યવસાય સાથે જોડાયેલા અમિતભાઈ નરોત્તમભાઈ દરજી જણાવે છે કે, તેઓ છેલ્લા પાંચ દાયકાથી
પણ વધુ સમયથી તરણેતરના મેળાની પ્રખ્યાત છત્રીઓ બનાવવાનું કામ કરે છે, જેમાં ખાસ મોટી
અને વિશિષ્ટ કલાત્મક છત્રીઓ પણ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ બંડી, કોટી, ચણિયાચોળી,
મોજડી અને રજવાડી પાઘડીઓ જેવી પરંપરાગત વસ્તુઓનું પણ નિર્માણ કરે છે. મેળાના સમયમાં
તેમનું કામકાજ ખૂબ સરસ ચાલે છે. મોટા અધિકારીઓ અને રાજનેતાઓના સન્માનમાં આપવામાં આવતી
બંડી અને પાઘડીઓ પણ તેઓ જ તૈયાર કરે છે. ચણિયાચોળીઓ બનાવવામાં પણ તેમનું મોટું નામ
છે. દેશના મોટા મંદિરોના પૂજનીય સંતો અને મહંતો માટે પણ તેઓ ખાસ કલાત્મક છત્રીઓ બનાવી
આપે છે. મેળામાં આવતા વિદેશી પ્રવાસીઓ અચૂક તેમની દુકાનની મુલાકાત કરે છે.
આ હસ્તકલા વ્યવસાયના માધ્યમથી
સ્થાનિક બહેનોને ઘરઆંગણે સારી રોજગારી મળી રહી છે. હાલમાં તેમની સાથે 25 થી 30 જેટલી
બહેનો અને 7થી 8 ભાઈઓ એક પરિવારની જેમ કામ કરી રહ્યા છે. આ કારીગરો ખૂબ મહેનતથી હાથ
ભરત, આરી ભરત અને કમ્પ્યુટર ભરતનું ઝીણવટભર્યું કામ કરે છે. તેઓ લોકોને પોસાય અને ગમે
તેવું આકર્ષક કામ આપવાનો સાતત્યપૂર્ણ પ્રયાસ કરે છે, જેના થકી થાનગઢમાં અનેક પરિવારોને
રોજીરોટી મળી રહી છે.
આ કલા ક્ષેત્રે જોડાયેલા સ્થાનિક
કારીગર રાજેન્દ્રભાઈ પોતાના 15 વર્ષના અનુભવ અંગે સંબોધન કરતાં જણાવે છે કે, તેઓ પરંપરાગત
કપલ ડ્રેસ, કલાત્મક બંડી અને ચોલીનું નિર્માણ કરીને દૈનિક ધોરણે એકથી બે કપલ ડ્રેસ
સરળતાથી તૈયાર કરે છે. તરણેતરના મેળાના માધ્યમથી તથા આ વ્યવસાયના કારણે તેમને સતત કામ
મળતું રહે છે. આ સતત મળતા કામથી તેમને આર્થિક સુરક્ષા અને સ્થિર આવક પ્રાપ્ત થઈ રહી
છે.