ઈ-સ્ટેમ્પના
બહાને સ્ટેમ્પ વેન્ડર દંપતીએ કરી ઠગાઈ
સુરત,
તા.11: સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગાવિંદ ધોળકિયાના પુત્ર
શ્રેયાંશ ધોળકિયા સાથે જમીનના દસ્તાવેજ માટે ઈ-સ્ટેમ્પ ખરીદવાના બહાને રૂ. 76.44 લાખની
છેતરાપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. સરકાર માન્ય અધિકૃત સ્ટેમ્પ વેન્ડર દંપતીએ
આ મોટી રકમ મેળવીને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના મેનેજર કનુ માલવિયાએ
રાંદેર વિસ્તારમાં રહેતા રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા
વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પલસાણામાં ખરીદેલી જમીનના દસ્તાવેજ માટે રૂ. 76,44,900
ના ઈ-સ્ટેમ્પની જરૂરિયાત હતી. જૂના સંબંધો અને વિશ્વાસના આધારે ડિસેમ્બર 2025માં આરોપી
દંપતીના બેંક ખાતામાં આરટીજીએસ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નાણાં લીધા
બાદ આરોપીઓએ સમયસર સ્ટેમ્પ પેપર આપ્યા નહોતા અને ઉઘરાણી કરતાં ખોટા વાયદા કર્યા હતા.
તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ આ રકમ પોતાના અંગત મોજશોખ પાછળ વાપરી નાખી હતી. ત્યારબાદ
આપેલો રૂ. 76.44 લાખનો ચેક પણ અપૂરતા બેલેન્સને કારણે બાઉન્સ થયો હતો. સમગ્ર મામલે
સુરત ક્રાઈમ બ્રાંચે વિશ્વાસઘાત અને છેતરાપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.