• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

સુરેન્દ્રનગરમાં ‘ક્લબ 71’ જિમની આડમાં યુવતીઓને ‘બ્લેકમેઇલિંગ’ કરવાનો ખેલ

યુવતીઓના અંગત ફોટા-વીડિયોના દુરુપયોગના આક્ષેપો બાદ પોલીસની તવાઇ

(ફૂલછાબ ન્યુઝ)

સુરેન્દ્રનગર, તા.3 ઃ શહેરમાં આવેલા ‘ક્લબ 71’ જિમના સંચાલક સામે યુવતીઓ સાથેના કથિત નજીકના સંબંધોનો ગેરલાભ લઈ બ્લેકમેઇલિંગ કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતીઓના અંગત ફોટા-વીડિયો મેળવી તેનો કથિત રીતે બ્લેકમેઇલિંગ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપોને પગલે સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

મળતી વિગતો મુજબ, ટીબી હોસ્પિટલ રોડ અને 80 ફૂટ રોડ પર આવેલા ‘ક્લબ 71’ના સ્થળોએ પોલીસ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન બંને જિમ તથા તેની સાથે સંકળાયેલી ઓફિસને સીલ કરવામાં આવી હતી. પીજીવીસીએલની ટીમ દ્વારા સ્થળનું વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ જિમ સંચાલકની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ દરમિયાન જિમમાંથી વોટ્સએપ ચેટ, પેનડ્રાઇવ અને સીસીટીવીના ફૂટેજ સહિતની ડિજિટલ સામગ્રી કબજે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ પુરાવાઓના આધારે સંપર્કો અને સમગ્ર પ્રકરણની હકીકત અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. એએસપી વેદિકા બિહાની તથા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ સહિતની ટીમોએ ગ્રાહક બની સ્થળની તપાસ કરી હોવાનું પણ જાણવા મળે છે. જિમ સાથે સંકળાયેલા કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં સંચાલક અમિત મુલતાની ઉપરાંત બે રિસેપ્શનિસ્ટ અને એક સાગરીત સામે ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા મોબાઇલ સહિતનો ડિજીટલ ડેટા જપ્ત કરી એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક