• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકુ રહેશે

હાલ કોઇ સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત નથી: હવામાન વિભાગ

અમદાવાદ, તા.2: રાજ્યભરમાં નવરાત્રિ અને તહેવારોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે હવામાન વિભાગ મહત્ત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શકયતા નથી અને સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણ પણે સૂકું રહેશે. ચોમાસાની વિદાયની ઘડીઓ નજીક આવી રહી છે ત્યારે મેઘરાજાએ હવે વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે, જેનાથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હવામાન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વરસાદ ખેંચી લાવે તેવી હાલ અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં એવી કોઇ મજબૂત સિસ્ટમ, સાયકલોનિક સકર્યુલેશન કે ટ્રફ રેખા સક્રિય નથી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ  ઘટવા લાગ્યું છે અને પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની નોંધાઇ રહી છે. ઉતરીય પવનો ફૂંકાવાનું શરૂ થતાં હવામાનમાં સૂકાપણું વધશે અને આગામી દિવસોમાં બપોરે સામાન્ય ગરમી તેમજ રાત્રિના સમયે હળવી ઠંડકનો અનુભવ થવાની શકયતા છે.

ચોમાસાની એકંદરે સ્થિતિ અંગે હવામાન વિભાગે જાહેર કરેલા સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ ચોમાસુ સીઝનમાં ગુજરાત રાજ્યમાં સરેરાશ 11 ટકા વરસાદની ઘટ રહી છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હોવા છતાં રાજ્ય વ્યાપી સરેરાશ સામાન્ય કરતાં ઓછી રહી છે. વિભાગવાર સ્થિતિ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક