• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

સણોસરીમાં અગાસી પર સુતેલા બાળકને દીપડાએ ઉપાડી જઈ ફાડી ખાધો

બાળકનો મૃતદેહ નજીકના જુવારના ખેતરમાંથી મળી આવ્યો; વનવિભાગે દોઢ કલાકમાં દીપડાને પાંજરે પૂર્યો

(ફૂલછાબ ન્યુઝ)

ગીર ગઢડા,તા.3 ઃ ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામની સીમમાં ગત રાત્રે ખેતરમાં સૂતેલા શ્રમિક પરિવારના ત્રણ વર્ષના બાળકને દીપડો ઉપાડી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકનો મૃતદેહ નજીકના જુવારના ખેતરમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી એક દીપડાને પાંજરે પૂરી લીધો હતો.

ગીર ગઢડાથી આશરે 17 કિલોમીટર દૂર સણોસરી ગામના ખાંમભળા વિસ્તારની સીમમાં બાલુભાઈ ભગુભાઈ કાતરીયાની વાડીમાં ગોધરા પંથકના ગીરીશભાઈ બામણીયા પરિવાર સાથે દોઢ-બે મહિનાથી ખેતમજૂરી કરે છે. ગત રાત્રે વીજળી ડીમ હોવાથી પરિવાર ઓરડીની       અગાશીના ધાબા ઉપર સૂતો હતો. માતા-િપતાની વચ્ચે સૂતેલા ત્રણ વર્ષના ચેતનને દીપડાએ ગળેથી દબોચી લીધો હતો. પિતા ગીરીશભાઈ જાગી જતા પુત્રને બચાવવા દીપડા પાછળ દોડÎા હતા, પરંતુ દીપડો બાળકને લઈ નજીકના જુવારના ખેતરમાં જતો રહ્યો હતો. પિતાએ આસપાસના વાડી વિસ્તારમાં રહેતા લોકોને એકત્ર કરી વનવિભાગને જાણ કરી હતી. એ.સી.એફ. કપિલભાઈ ભાટિયા, આર.એફ.ઓ. કે.સી. ચૌહાણ સહિતનો સ્ટાફ પાંજરા સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

વનવિભાગે દીપડાના પંજાના નિશાન અને લોહીના ડાઘના આધારે તપાસ કરતાં જુવારના ખેતરમાંથી ચેતનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ અલગ-અલગ સ્થળે ત્રણથી ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દોઢ કલાકની મહેનત બાદ એક દીપડો પાંજરે પુરાયો હતો. પકડાયેલો દીપડો હુમલાખોર છે કે નહીં તેની તપાસ જશધાર એનિમલ કેર સેન્ટરમાં કરવામાં આવશે. સીમમાં હજુ ત્રણ પાંજરા ગોઠવાયેલા છે. ચેતનના મૃતદેહનું ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવાર વતન જવા રવાના થયો હતો. વનવિભાગે લોકોને પાક લણણીની સીઝનમાં બાળકોને વાડી કે સીમ વિસ્તારમાં એકલા ન મોકલવા અપીલ કરી છે. વિસ્તારમાં દીપડાના હુમલાના બનાવો વધતાં ખેડૂતો અને શ્રમિકોમાં ભય છે. વાડી માલિક કાંતિભાઈ લાડુમોરે મૃતકના પરિવારને આર્થિક સહાય મળે તે માટે વનવિભાગને રજૂઆત કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક