• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

આરોપીના વરઘોડા અને મારપીટનો મામલો : હાઈકોર્ટે પોલીસ પાસે માગી સ્પષ્ટતા

સગીરને ગેરકાયદે કસ્ટડીમાં રાખી અત્યાચાર ગુજારવાનો આક્ષેપ; કોર્ટે આગામી ગુરુવારે સુનાવણી હાથ ધરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.13: ગુજરાતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા અને તેમનાં સરઘસ કાઢવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજીમાં પોલીસ દ્વારા કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરીને જાહેરમાં માર મારવાની ઘટનાઓને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે.

અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે પોલીસને વર્દી પહેરવાથી કાયદાથી ઉપર હોવાનો અધિકાર મળી જતો નથી. આરોપીઓનાં જાહેરમાં સરઘસ કાઢવાની ઘટનાઓ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની અવગણના સમાન હોવાનું પણ અરજદાર પક્ષે જણાવ્યું છે. આ મામલે પોલીસ તંત્ર દ્વારા હાઈકોર્ટમાં માફી માગવામાં આવી હોવાનું જણાવાયું છે. અરજી અનુસાર, ગત 21 જૂનના રોજ દારૂ સંબંધિત કેસમાં 16થી 17 વર્ષના સગીરની ધરપકડ કરવામાં આવી હતી. સગીરના પિતાએ આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રને સતત ત્રણ દિવસ સુધી ગેરકાયદે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને આ દરમિયાન તેના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. અરજીમાં સગીરના શરીર પર ઈજાઓ અને તીક્ષ્ણ હથિયારથી થયેલા ઘાના નિશાનો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

અરજદાર પક્ષે સીઆરપીસીની કલમ 151નો ઉલ્લેખ કરીને સગીરને ત્રણ વખત અટકાયતમાં લઈ ગેરકાયદે રીતે રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સગીરનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

પોલીસે સગીરને જામીન મળી ગયા હોવાથી માર મારવાનો પ્રશ્ન ઊભો થતો નથી એવો બચાવ રજૂ કર્યો હોવાનું જણાવાયું છે. જોકે, અરજદારે માત્ર માફી માગવાથી આવી ઘટનાઓ અટકશે કે કેમ તેવો સવાલ ઉઠાવ્યો છે.

હાઈકોર્ટે પોલીસને ઘટનાની શરૂઆતથી લઈને સગીરને મુક્ત કરાયા સુધીની સંપૂર્ણ ટાઈમલાઈન અને સંબંધિત વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે. કેસની વધુ સુનાવણી આગામી ગુરુવારે હાથ ધરાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક