• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

જંતરમંતર પર સીજેપી નેતાઓની ધરપકડ

ક્ષ         રાંકાએ કહ્યું, પ્રદર્શન અહીં જ કરશું ઃ ધ્વજ લહેરાવવો ગેરકાનૂની ઃ દીપકે

નવી દિલ્હી, તા. 13 ઃ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને સમર્થકો સાથે જંતરમંતર પર ત્રિરંગો લહેરાવી સૂત્રોચ્ચાર કરવા માટે દિલ્હી પોલીસે પકડી લીધા છે. અભિજિત દીપકેએ સીજેપી નેતાઓની ધરપકડ મુદ્દે દિલ્હી પોલીસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, જો કોઇ જંતરમંતર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાને કાયદાનો ભંગ ગણે છે તો તે પોતે દેશદ્રોહી છે.

સીજેપીએ રાંકા, સૌરવ દાસ અને શિંદેની ધરપકડનો વીડિયો જાહેર કર્યો હતો ત્યારે રાંકાએ કહ્યું હતું કે, ‘જ્ઞાનેશકુમારનાં રાજીનામાં સુધી જંતરમંતર પર જ વિરોધ પ્રદર્શન થશે. આજે દશ જણ આવ્યા હતા, કાલે હજાર આવશે અને પરમદિવસે દશ હજાર લોકો આવશે.’

કેન્દ્ર સરકારે જંતરમંતરને નિર્ધારિત પ્રદર્શન સ્થળની યાદીમાંથી કાઢી નાખ્યું છે. રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને સીબીડી ગ્રાઉન્ડને પ્રદર્શન સ્થળ તરીકે નક્કી કરીને જણાવાયું છે કે હવેથી જંતરમંતર પર પ્રદર્શન નહીં કરી શકાય.

સીજેપી નેતાએ પોલીસ અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલાઓને પહેલાં પણ 24 કલાક સુધી તેમના વકીલ સાથે વાત કરવા દેવાઇ નહોતી અને હવે આવું નહીં કરાય એવી આશા વ્યક્ત કરી હતી.

દીપકેએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તે જાહેર જગ્યાઓને અંગત મિલકત સમજવા લાગી છે. તેમણે કહ્યું કે, જંતરમંતર દેશના 140 કરોડ લોકોનું છે અને તેને વિરોધના અવાજનું પ્રતીક માનવું જોઇએ. અભિજિતે કહ્યું કે, આખો દેશ જંતરમંતર બની જશે. જંતરમંતર ફક્ત એક જગ્યા નથી પરંતુ વિરોધની ભાવના છે.

સીજેપીએ કાલે જંતરમંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી માગી હતી. કેટલાક સમય પછી કેન્દ્ર સરકારે તેને પ્રદર્શનની યાદીમાંથી જ કાઢી નાખ્યું. સરકારે 33 વર્ષ પહેલાં જંતરમંતરને પ્રદર્શન સ્થળ તરીકે નક્કી કર્યું હતું. અહીં જ અણ્ણાનું આંદોલન, પહેલવાનોનું પ્રદર્શન અને કોકરોચ પાર્ટીના ધરણાં થયાં હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક