• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

LTCG ટેક્સમાં રાહતનો કેન્દ્રનો સંકેત

બ્લુમબર્ગ ફોરમમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું, લોંગ ટર્મ કેપિટલ ગેઇન અંગે મંતવ્યો પર વિચાર કરાશે

નવી દિલ્હી, તા. 14 ઃ નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે, તેઓ લાંબા ગાળાના મૂડીલાભ વેરા અંગેના સૂચનો અંગે રોકાણકારોના મંતવ્યો સાંભળશે. બજેટ પહેલાં યોજાનારી ચર્ચામાં ભારતીય અને વિદેશી રોકાણકારોના સૂચનો પર વિચાર કરાશે. મંગળવારે નવી દિલ્હીમાં બ્લુમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં બોલતાં, નાણામંત્રીએ કહ્યું હતું કે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન (એલટીસીજી) ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) અંગે શેરબજારમાં સતત પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો કે, નાણામંત્રીએ હજુ સુધી ટેક્સ દૂર કરવાની કે તેના દરોમાં ફેરફાર કરવાની કોઈ જાહેરાત કરી નથી. સરકાર આ મુદ્દા પર વિવિધ પક્ષોના મંતવ્યો સાંભળશે.

નિર્મલા સીતારામનના જણાવ્યા મુજબ, શેરબજારમાં લાગતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને વિવિધ પ્રકારના રોકાણો માટે કર પ્રણાલી અંગે પણ ચર્ચા કરાઇ રહી છે. રોકાણકારોના વિવિધ સંપત્તિ વર્ગો પર કર લાદવાના નિયમો પર વિચાર કરવા માગે છે. નાણામંત્રીએ કહ્યું કે, બજેટ ચર્ચા દરમિયાન આ મુદ્દાઓ પર વિવિધ મંતવ્યો સાંભળવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લાંબા ગાળાના મૂડી લાભ કર, ચોક્કસ સમયગાળા કરતાં વધુ સમય માટે રાખેલા રોકાણને વેચીને મેળવેલા નફા પર વસૂલવામાં આવે છે. લાયક સૂચિબદ્ધ ઇક્વિટી શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ એક વર્ષ કરતાં વધુ સમય માટે રાખ્યા પછી મેળવેલા નફા પર 12.5 ટકાના દરે કર લાગે છે. જો કે, નાણાકીય વર્ષમાં આવા રોકાણોમાંથી કુલ મળવાપાત્ર નફાના પ્રથમ રૂા. 1.25 લાખ મુક્ત છે. જ્યારે સિકયોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તેનાથી અલગ છે, જે શેરબજારમાં ચોક્કસ વ્યવહારો પર વસૂલવામાં આવે છે.

નોંધનીય છે કે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 20 જુલાઈના રોજ લોકસભામાં જણાવ્યું હતું કે સરકારની હાલ સ્થાનિક અને નાના રોકાણકારો માટે લાંબા ગાળાના મૂડીલાભ કર નાબૂદ કરવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું હતું કે બજેટ અને આર્થિક પરિસ્થિતિઓના આધારે કર દરોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે નાણામંત્રીનું તાજેતરનું નિવેદન આ મુદ્દા પર ચર્ચાની શક્યતા સૂચવે છે, પરંતુ કર દૂર કરવાનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક