• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

UPI ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ દિવાળી સુધી મુલતવી

તહેવારોમાં નહીં લાગે 2000 કરતાં મોટા વ્યવહાર ઉપર એમડીઆર ચાર્જ

નવી દિલ્હી, તા.13ઃ યુપીઆઈ દ્વારા મોટા પેમેન્ટ કરતા ગ્રાહકો અને વેપારીઓ માટે મોટા અને અગત્યનાં સમાચાર છે. 2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ વ્યવહાર ઉપર લાગુ થનારો નવો એમડીઆર ચાર્જ હવે 15 અૉક્ટોબરથી લાગુ નહીં થાય. એનપીસીઆઈએ એમડીઆર ચાર્જ લાગુ કરવાના નિર્ણયને દિવાળી સુધી મુલતવી રાખી દીધો છે. વેપારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે આ ચાર્જ લાગુ કરવાનો નિર્ણય તહેવારો સુધી ટાળવામાં આવે.

નિયમાનુસાર નિર્ધારિત વેપારી ટ્રાન્ઝેક્શન પર યુપીઆઈ એમડીઆર હવે દિવાળી પછી લાગુ થશે. એનપીસીઆઈએ તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે કે પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) દિવાળી પૂરી થયા પછી તરત લાગુ કરવામાં આવશે.

દુર્ગાપૂજા અને દિવાળી જેવા મોટા તહેવારો પહેલાં વેપારીઓ માટે આ રાહતભર્યો નિર્ણય છે કારણ કે તહેવારોની મોસમમાં લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરે છે અને રોકડને બદલે યુપીઆઈ પેમેન્ટનો પણ વધુ ઉપયોગ કરે છે. વેપારી સંગઠનોનું કહેવું હતું કે તહેવારોની મોસમ દરમિયાન નવો નિયમ લાગુ કરવાથી આમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં એનપીસીઆઈનો આ નિર્ણય વેપારીઓ માટે મોટી રાહત સમાન છે.  જો કોઈ ગ્રાહક દુકાનદારને (પીટૂએમ) 2,000થી વધુનું યુપીઆઈ પેમેન્ટ કરે છે, તો તેના પર 0.4% એમડીઆર ચાર્જ લાગશે. એટલે કે 3,000ના પેમેન્ટ પર વેપારી પાસેથી 12 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આવી જ રીતે 75,000ના પેમેન્ટ પર 0.4% ચાર્જ મુજબ 300 ચૂકવવા પડશે. એનપીસીઆઈએ ચાર્જની મહત્તમ મર્યાદા 300 નક્કી કરી છે. એટલે કે, પેમેન્ટની રકમ 75,000થી વધુ હોય તો પણ મહત્તમ ચાર્જ 300 જ રહેશે.

રાહતની વાત એ પણ છે કે નાના દુકાનદારો અને સામાન્ય લોકો વચ્ચે થતા વ્યક્તિથી વ્યક્તિના પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. આ વ્યવસ્થા પહેલાંની જેમ જ શૂન્ય ચાર્જ સાથે ચાલુ રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક