• મંગળવાર, 03 નવેમ્બર, 2026

દિવાળી પૂર્વે યાર્ડ મગફળીથી છલકાયા : રેકોર્ડબ્રેક 5 લાખ ગુણીથી વધુ આવક

નાણાભીડ નીવારવા ખેડૂતોની ધૂમ વેચવાલી : ગોંડલમાં એક જ દિવસમાં સવા લાખ ગુણીની આવક

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ,તા. 2: દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતભરના માર્કાટિંગ યાર્ડમાં મગફળીની ઐતિહાસિક અને વિક્રમી આવક નોંધાઈ રહી છે. તહેવારો ટાણે ઘરખર્ચ અને ખરીદી માટે નાણાભીડ નિવારવા ખેડૂતોની ધૂમ વેચવાલીથી યાર્ડ મગફળીથી છલકાયા છે. ગોંડલમાં એક જ દિવસમાં સવા લાખ ગુણી મળીને ગુજરાતભરમાં કુલ 5 લાખ ગુણીથી વધુની આવક સોમવારે નોંધાઈ હતી. ભાવ પણ સારા મળતા હોવાથી ખેડૂતો મગફળી સાચવવાના બદલે ખૂલ્લા બજારમાં ઠલવી રહ્યા છે. યાર્ડમાં મગફળીનો સરેરાશ ભાવ રૂ. 1200-1800 સુધી ચાલી રહ્યો છે. 9 નંબર અને 6 નંબરની મગફળીના રૂ. 2400-2600 સુધી બોલાઈ રહ્યા છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં સોમવારે મગફળીની સીઝનની સૌથી વધુ આવક થઈ હતી. જેમાં સવા લાખ ગુણીની આવક નોંધાતા યાર્ડમાં મગફળીના મોટા ઢગલા અને ગુણીઓના થપ્પા લાગી ગયા હતા. જેમાં મગફળીનો રૂ. 1200-1880 સુધીનો ભાવ બોલાયો હતો. સવા લાખ ગુણીમાંથી સોમવારે 32400 ગુણીના વેપાર થયા હતા અને બાકીની મગફળીની બીજા દિવસે હરાજી થશે. મગફળી વેચવા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં આવતા યાર્ડ બહાર હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. યાર્ડમાં મગફળીનો ભરાવો થઈ જતા બે દિવસમાં મગફળીનો નિકાલ થયા બાદ નવી આવક ફરીથી શરૂ કરાશે તેમ યાર્ડના સુત્રો દ્વારા જણાવાયું છે.

આ ઉપરાંત રાજકોટ, જેતપુર, અમરેલી, જૂનાગઢ અને જામનગર યાર્ડમાં પણ મગફળીની જોરદાર આવક નોંધાઈ છે. રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની 18 હજાર ગુણીની આવક હતી. ઉતર ગુજરાતમાં સોમવારે 2.30 લાખ ગુણીની મબલક આવક હતી. જેમાં પાથાવાડામાં 55 હજાર , ડિસામાં 43700, પાલનપુરમાં 42200, હિંમતનગરમાં 23600, ઈડરમાં 14300 ગુણીની આવક હતી.

સામાન્ય રીતે ખેડૂતો સારા ભાવની આશાએ માલ સંગ્રહ કરતા હોય છે, પરંતુ હાલ દિવાળીના તહેવારો બારણે આવીને ઊભા હોવાથી બિયારણ, ખાતર, મજૂરી ચૂકવવા તેમજ તહેવારોની ખરીદી માટે રોકડ નાણાં હાથવગા કરવા ખેડૂતો ધૂમ વેચવાલી કરી રહ્યા છે.

સાવર કુંડલ માર્કેટ યાર્ડમાં સોમવારે મગફળીની 55 હજાર ગુણીની આવક નોંધાઈ હતી. મગફળીની સારી ગુણવતાના રૂ. 1600 સુધીના ભાવ બોલાયા હતા. યાર્ડમાં મગફળીની વિપુલ આવકને પગલે નવી આવક બંધ કરવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક