અમરોલીમાં પુત્રીએ પિતાની હત્યા કરી
સુરત, તા.2: સુરત શહેરમાં હત્યાની
બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં
સોશિયલ મીડિયા પર થયેલી ગાળાગાળી બાદ સમાધાન માટે ગયેલા બે સગીર મિત્રો પર ચપ્પુ વડે
હુમલો કરી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે બીજી ઘટનામાં અમરોલીના કોસાડ આવાસમાં
ઘરકામ બાબતે થયેલા ઝઘડામાં પુત્રીએ પોતાના પિતાની હત્યા કરી નાખી હતી.
પ્રથમ બનાવમાં નાનપુરા મટન માર્કેટ
નજીક રહેતા સાબીર ફૈઝ શેખનો 16 વર્ષીય પુત્ર ફૈઝાન અને તેનો મિત્ર 17 વર્ષીય અજમલ શેખ
સોશિયલ મીડિયા પર થયેલી ગાળાગાળી બાદ સમાધાન કરાવવા ફાતેમા કબ્રસ્તાન પાસે પહોંચ્યા
હતા. આ દરમિયાન સામા પક્ષે આવેલા એક કિશોરે ઝઘડો ઉગ્ર બનતાં ચપ્પુ કાઢી બંને પર જીવલેણ
હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે બંને સગીરોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં.
ઘટના બાદ હુમલાખોર તેના બે સાથીઓ સાથે ફરાર થયો હતો. જોકે, અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં
હુમલાખોર સહિત ત્રણ સગીરોને ડિટેઈન કર્યા હતા. શરૂઆતમાં ફ્રી ફાયર ગેમને હત્યાનું કારણ
માનવામાં આવતું હતું, પરંતુ પોલીસ તપાસમાં સોશિયલ મીડિયા પર થયેલી ગાળાગાળી બાદ હત્યાની
ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
બીજા બનાવમાં કોસાડ આવાસમાં રહેતા
55 વર્ષીય રમેશાસિંહ રાજપૂત અને તેમની પુત્રી કાજલ વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી.
દરમિયાન પિતાએ પુત્રીનો મોબાઈલ છીનવીને ફેંકી દેતાં ઉશ્કેરાયેલી કાજલે કૂકરના ઢાંકણાથી
પિતાના માથામાં માર માર્યો હતો અને પેટમાં છરીનો ઘા ઝીંક્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા
રમેશાસિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકની પત્નીની ફરિયાદના આધારે અમરોલી
પોલીસે પુત્રી કાજલ ઉર્ફે વિક્રમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.