• મંગળવાર, 03 નવેમ્બર, 2026

ગોંડલ માર્કાટિંગ યાર્ડમાં ‘કળદા’નો વિવાદ વકર્યો

આપનો 1963ના એક્ટના ભંગનો આક્ષેપ: સત્તાધીશોનો પલટવાર- ‘વરસાદી જીવડાં’ રાજકારણ ન કરે

(ફૂલછાબ ન્યૂઝ)

ગોંડલ તા. 2 : ગોંડલ માર્કાટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી થતી કથિત ગેરકાયદે કપાત (કળદા) મુદ્દે આમ આદમી પાર્ટી અને યાર્ડના સત્તાધીશો આમનેસામને આવી ગયા છે. ખેડૂતોની પીડા ભુલીને પક્ષીય અને ચૂંટણીલક્ષી રાજકારણ શરુ થયુ છે. જેને લઇને યાર્ડની આગામી ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

દરમિયાન બુધવાર થી કપાત નાં મુદ્દે બંધ રખાયેલી મરચાની હરાજી સોમવારે પણ થઇ શકી ન હતી. આપના કાર્યકરોએ કહ્યું કે, ખેડૂતોને આર્થિક ફટકો પડે છે. યાર્ડના હોદ્દેદારે આપનેને ’વરસાદી જીવડાં’ ગણાવી ચુંટણી લડી લેવા ખુલ્લો પડકાર ફેંક્યો છે.

મરચાંની હરરાજીમાં મરચાનાં બારદાનનાં પાંચસો ગ્રામના કપાતનાં મુદે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ગત બુધવારે વિવાદ સર્જાયો હતો.જેનો કોઇ ઉકેલ નહી આવતાં શની, રવિ ની રજા બાદ યાર્ડ નું કામકાજ શરુ થતા સોમવારે ફરીવાર ખેડૂતોએ મરચાની હરરાજી અટકાવી હતી.

આપના જિગીષા પટેલે કહ્યું કે,  ખેડૂતો જ્યારે મરચાં વેચવા આવે ત્યારે રૂ. 60 થી 120નો ખર્ચ કરી કંતાન (કોથળો) લાવે છે. પરંતુ વેપારીઓ વજનમાંથી 500 ગ્રામનો કળદો કાપી લે છે અને કંતાન પણ લઈ જાય છે. આ ઉપરાંત, કપાસમાં પણ પ્રતિ ગાસડી રૂ. 10 થી 20ની અયોગ્ય કપાત કરવામાં આવે છે. 1963ના એપીએમસી એક્ટની કલમ 35 મુજબ આવી કપાત ગેરકાયદેસર છે. તેમણે આક્ષેપ કર્યો કે સત્તાધીશોને રજૂઆત કરવા છતાં ગોળ-ગોળ જવાબો અપાય છે અને અવાજ ઉઠાવનાર ખેડૂતોને ઓફિસોમાં લઈ જઈ ધમકાવવામાં આવે છે. અમરેલી યાર્ડમાં આવો કોઈ કળદો કપાતો નથી તો ગોંડલ, રાજકોટ, જેતપુર અને હાપા યાર્ડમાં ખેડૂતોને શા માટે લૂંટવામાં આવે છે?

ચેરમેન અલ્પેશ ભાઈ ઢોલરીયાએ કહ્યું કે, ‘ચૂંટણી નજીક આવતા જેમ વરસાદમાં પાંખોવાળા જીવડાં બહાર આવે તેમ અમુક લોકો પ્રશ્નો કરવા આવી ગયા છે’ તેમણે સ્પષ્ટ કર્યું કે આ સંસ્થા ખેડૂતોની છે, કોઈ રાજકારણનો અડ્ડો નથી. જો વ્યવસ્થા સામે વાંધો હોય તો આગામી ચૂંટણી લોકશાહી ઢબે લડી લેવા તેમણે પડકાર ફેંક્યો હતો.

યાર્ડની કામગીરીનો બચાવ કરતા ઢોલરીયાએ જણાવ્યું કે, ગોંડલ યાર્ડમાં દેશ-િવદેશના વેપારીઓ આવતા હોવાથી ખેડૂતોને પૂરતો ભાવ મળે છે. ખેડૂતો 80 કિલોમીટર દૂરથી ગોંડલ યાર્ડમાં માલ વેચવા આવે છે કારણ કે અહીં 20 કિલોએ રૂ. 300 થી 400 વધુ ભાવ મળે છે. આગામી સમયમાં 4 દેશોના પ્રતિનિધિઓ ગોંડલ યાર્ડની મુલાકાતે આવવાના છે, જેથી ખેડૂતોનો માલ સીધો વિદેશ જશે અને તેમને આર્થિક ફાયદો થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક