• મંગળવાર, 03 નવેમ્બર, 2026

રૂફટોપ સોલરમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, 9.08 લાખ ઘરોમાં સોલર સિસ્ટમ સ્થાપિત

દેશની કુલ રૂફટોપ સોલર સ્થાપિત ક્ષમતામાં ગુજરાતનો 18.21 ટકા હિસ્સો; માર્ચ 2027ના 10 લાખ સિસ્ટમના લક્ષ્યાંક સામે 90 ટકા સિદ્ધિ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.2 : રાજ્યમાં વીજળીના વધતા વપરાશ અને ભવિષ્યની માગને પહોંચી વળવા ગુજરાત સરકાર પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન વધારી રહી છે. જેના ભાગરૂપે સૂર્ય ઉર્જા પર ભાર મુકાઈ રહ્યો છે. હાલ, દેશમાં સ્થાપિત કુલ રૂફટોપ સોલર સિસ્ટમમાં ગુજરાતનો હિસ્સો 18.21% છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.08 લાખ રેસિડેન્શિયલ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 3,408 મેગાવોટ છે. આ સાથે ગુજરાતે માર્ચ 2027 સુધીમાં 10 લાખ રેસિડેન્શિયલ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવાના લક્ષ્યાંકની 90% સિદ્ધિ મેળવી લીધી છે. ગુજરાત સરકાર, રૂફટોપ સોલર સિસ્ટમના વ્યાપને વધારવા માટે રહેણાંક મકાનોમાં 6 કિલોવોટ સુધીની રૂફટોપ સોલર સિસ્ટમ માટે નિયમનકારી ચાર્જ પેટે રૂ. 2,950ની સહાય આપે છે. ઉપરાંત નેટવર્ક મજબૂતીકરણ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે અને નેટ મીટારિંગ કરારની આવશ્યકતામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત રાજ્ય સરકારે નાના રેસિડેન્શિયલ વીજ ગ્રાહકો માટે વધારાની આર્થિક સહાયની જોગવાઈ પણ કરી છે. તે મુજબ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ગ્રાહકો 2.18 કિલોવોટ પીક સુધીની ક્ષમતા ધરાવતી નવી રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરાવે તો તેમણે નિર્ધારિત ખર્ચની માત્ર 5% રકમ આપવાની રહે છે. અન્ય ગ્રાહકો પણ 10% ખર્ચ સાથે રૂફટોપ સોલર લગાવી શકે છે. કેન્દ્ર સરકારની નાણાકીય સહાય અને ગ્રાહક તરફથી મળેલી રકમને બાદ કર્યા પછી નિર્ધારિત બેન્ચમાર્ક ખર્ચની બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. 

રાજ્યની સોલર નીતિ હેઠળ, ઘરોમાં ‘નેટ મીટારિંગ’ની સુવિધા ઉપલબ્ધ છે. જેનો અર્થ એ છે કે, વીજળીનું મીટર તમે કેટલી વીજળી વાપરો છો અને કેટલી વીજળી ગ્રીડમાં પાછી મોકલો છો, તેની નોંધ રાખે છે. ઘરો પર લાગેલી સોલર સિસ્ટમ માટે ’કનેક્ટેડ લોડ’ પર કોઈ મર્યાદા નથી અને ઘરમાં ઉત્પન્ન થતી વધારાની વીજળી વેચી પણ શકાય છે. 30મી, સપ્ટેમ્બર, 2026ની સ્થિતિએ ગુજરાતની કુલ પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષમતા 55,511.46 મેગાવોટ છે. જે દેશની કુલ પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષમતાના 18.55% જેટલી છે. તેમાં સૌર ઊર્જાની ક્ષમતા 36,234.55 મેગાવોટ છે, જે રાષ્ટ્રીય સૌર ઊર્જા ક્ષમતામાં 21.2% યોગદાન આપે છે. જ્યારે રાજ્યની પવન ઊર્જા ક્ષમતા 17,043.76 મેગાવોટ છે, જે દેશની કુલ પવન ઊર્જા ક્ષમતાનો 28.8% જેટલો હિસ્સો છે.

ગુજરાતને વિશેષ લાભ થશે 

રાજ્યમાં 9.08 લાખ રૂફટોપ સોલર સિસ્ટમ દ્વારા 3,408 મેગાવોટ ક્ષમતા ઊભી થઈ છે. તેનો અર્થ એ થાય છે કે, આટલી ક્ષમતા માટે અલગથી મોટો વીજ ઉત્પાદન પ્લાન્ટ ઉભો કરવાની જરૂરિયાત ઘટી છે. વીજ વિતરણ કંપનીઓ પરનો ભાર પણ ઓછો થયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક