• રવિવાર, 01 નવેમ્બર, 2026

જનગણના માટે ગુજરાતની ડિજિટલ ક્રાંતિ : મેગા માસ્ટરપ્લાન કરાશે તૈયાર ઘરે ઘરે પહોંચશે ગણતરીકારો, ટેકનોલોજીથી નોંધાશે નાગરિકોની વિગતો

મુખ્ય સચિવ એમ. કે. દાસે અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા આપ્યા નિર્દેશ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ,તા.31 : આગામી જનગણના-2027ને સફળ, પારદર્શક અને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા ગુજરાત સરકારે તૈયારીઓ તેજ બનાવી છે. આધુનિક ડિજિટલ ટેકનોલોજી, મજબૂત વહીવટી માળખું અને વિવિધ સરકારી વિભાગોના સંકલનથી રાજ્યભરમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવાનો મેગા માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે ગાંધીનગરમાં મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય જનગણના સંકલન સમિતિની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.

જનગણના-2027ના પ્રથમ તબક્કામાં મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી બાદ હવે બીજા તબક્કામાં પ્રત્યેક નાગરિકની વસ્તીવિષયક, સામાજિક અને આર્થિક માહિતી એકત્રિત કરવામાં આવશે. આ કામગીરીમાં આધુનિક ડિજિટલ સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને માહિતીનું ચોકસાઈપૂર્વક સંકલન કરવાનું આયોજન છે. બેઠકમાં રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. જનગણનાનાવ્યાપ, જિલ્લા-તાલુકા કક્ષાની વહીવટી તૈયારીઓ, ફિલ્ડ સ્ટાફની નિયુક્તિ અને કામગીરીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્યથી શહેરી વિસ્તારો સુધી દરેક નાગરિકની માહિતી નોંધાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા પર ભાર મૂકાયો હતો.

મુખ્ય સચિવ એમ. કે. દાસે જનગણનાને માત્ર આંકડાકીય પ્રક્રિયા નહીં, પરંતુ રાષ્ટ્રીય કર્તવ્ય ગણાવી તમામ વિભાગો, જિલ્લા કલેક્ટર કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વચ્ચે સુદૃઢ સંકલન જાળવવા સૂચના આપી હતી. સાથે જ કેન્દ્ર સરકારની સમયમર્યાદાનું પાલન, ક્ષેત્રિય સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ અને નિયમિત મોનિટારિંગ કરવા પણ તાકીદ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક