‘તારા માટે કપડા લાવ્યો છું’
કહ્યા બાદ બન્ને વચ્ચે ઝઘડો થતા છરીના આડેધડ ઘા મારી દીધા : ધરપકડ
ઉમરાળા, તા.પ: ઉમરાળા તાલુકાના
ધોળા જં.ગામે પિયરમાં રિસામણે રહેતી 40 વર્ષીય પરિણીતાની તેના પતિ દ્વારા છરીના આડેધડ
ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનતા અરેરાટી પ્રસરી ગઈ હતી.
આ બનાવ અંગે ધોળા જં.ગામે કેન્દ્રવર્તી
શાળા પાછળ રહેતા વસંતબેન ગાવિંદભાઈ રાઠોડે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ
મુજબ તેમની પુત્રી સોનલબેનના લગ્ન 20 વર્ષ પહેલાં સિહોરના સંજય પરશોત્તમ પાટડિયા સાથે
થયા હતા.સંજય સોનલબેનના ચારિત્ર્ય પર શંકા કરતો હોઈ અવારનવાર બંને વચ્ચે ઝગડો થતા હતા.
આથી કંટાળીને સોનલબેન છેલ્લા છ-સાત માસથી રિસામણે પિયર ધોળા આવીને માતા-િપતા સાથે રહેતાં
હતાં. દરમિયાન બપોર બાદ સંજય પાટડિયા તેના
સાસરે ધોળા આવ્યો હતો અને સસરા સાથે સમાધાનની વાત કરવા આવ્યો હોવાનું જણાવી સંજયે પત્ની
સોનલને “હું તારા માટે કપડાં લાવ્યો છું” તેમ કહી રસોડામાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં
પતિ-પત્ની વચ્ચે ઝગડો થતાં સંજયે છરી કાઢીને સોનલબેન પર આડેધડ પ્રહારો કર્યા હતા. બાદમાં
સંજય નાસી છૂટયો હતો.
બનાવની જાણ થતાં આજુબાજુના ગ્રામજનો
એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ સોનલબેનને ઉમરાળા સરકારી દવાખાને ખસેડવા પરિવારને મદદ
કરી હતી. સોનલબેનને ઉમરાળા દવાખાને લાવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. બનાવના
પગલે ઉમરાળાના પી.આઈ.ચૌધરીએ સ્ટાફ સાથે ઘટના
સ્થળે પહોંચી, ફરિયાદ નોંધી ફરાર આરોપી સંજયને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.મોડી
રાત સુધીમાં આરોપી પકડાઈ ગયો હતો.