• મંગળવાર, 08 એપ્રિલ, 2025

તાલાલામાં વધુ એક ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો : 17 જુગારી પકડાયા

ગીર પલ્સ ફાર્મ હાઉસમાં તાલાલા પોલીસ ત્રાટકી : 21.46 લાખનો મુદામાલ કબજે

તાલાલા, તા.6: તાલાલા પંથકમાં ફાર્મ હાઉસ જુગારધામ બનતા હોય તેમ વધુ એક ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા 17 શકુનીઓને ઝડપી પાડી રૂ.21.46 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથ એલ.સી.બી, સ્ટેટ મોનિટારિંગ સેલ બાદ તાલાલા પોલીસ સક્રિય થઈ છે.તાલાલા-સાસણ રોડ ઉપર આવેલ ગીર પલ્સ ફાર્મ હાઉસમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી મળતા તાલાલા પી.આઈ જે.એન.ગઢવીએ સ્ટાફ સાથે ફાર્મ હાઉસમાં દરોડો પાડી જુગારધામમાં જુગાર રમતા 17 પતાપ્રેમીને ઝડપી લીધા હતા.દરોડા દરમ્યાન પોલીસે રોકડ રકમ રૂ.58,790, 4 કાર, મોબાઈલ નં.18 મળી કુલ રૂ.21,46,790નાં મુદામાલ સાથે પીયૂષ હરસુખ લક્કડ (રે.રાજકોટ), પ્રતિક હસમુખ સિયાણી (રે.વાંડળિયા), બ્રિજેશ અશોક મલકાણ, જય નરેશ સરવૈયા (રે.બંને અમરેલી), જયપ્રકાશ સુભાષ,કૌશિક વલ્લભ છાપરીયા (રે.બંને રાજકોટ), દીપક લખમણ ચાવડા (રે.ખંભાળા), ભગીરથ ડાયા વાળા (રે.કેશોદ), રાહુલ રણમલ પરમાર (રે.જૂનાગઢ), પંકજ વાલજી જેઠવા (રે.ચિતલ), નિર્મિત અનિલ અમરેલીયા (રે.કાગદડી), યોગેશ ધીરજ દફતરી, કાના ભીમા ઓડેદરા,વત્સલ ગીરીશ રાઠોડ (રે.બધા રાજકોટ), જીજ્ઞેશ ભુપત મહેતા (રે.ગોંડલ), પ્રતીક શાર્દૂલ ગરાણી (રે.અમરેલી), ફાર્મ હાઉસ સંચાલક અજીત ખીમજી વૈષ્ણવ (રે.તાલાલા) સહિતનાને ઝડપી લીધા હતા.

તાલાલા તથા સાસણગીર વિસ્તારમાં આવતા પ્રવાસીઓને રહેવા માટે નાના મોટા અગણિત સંખ્યામાં ફાર્મ હાઉસો, રિસોર્ટ અને હોટલો આવેલા છે પરંતુ તાલાલા પંથકના ફાર્મ હાઉસોમાંથી અવિરત જુગારધામ ઝડપાઈ રહ્યા હોય તાલાલા પંથકના ફાર્મ હાઉસો પ્રવાસીઓને બદલે પતાપ્રેમીઓના જુગારધામ બની રહ્યા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક